ખેડાના ઠાસરામાં શાંતિ ડહોળાઈ ખેડા :જિલ્લાના ઠાસરામાં અમાસ નિમિત્તે નીકળેલી શિવજીની સવારી પર શાંતિ ડહોળવાના ઈરાદાથી અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની હતી. શ્રાવણ માસની અમાસ નિમિત્તે શહેરમાં નીકળેલી પરંપરાગત શિવજીની સવારી અંતિમ તબક્કામાં હતી. ત્યારે થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં એક PSI તેમજ બે કોન્સ્ટેબલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે.
પથ્થરમારાની ઘટના : આ ઘટના બાદ હાલ શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ દ્વારા પથ્થરમારો કરનાર ઈસમોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ ડિવિઝન પોલીસ અને અન્ય જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી હતી. હાલ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર શહેરમાં સ્થિતિ નિયંત્રિત છે. પોલીસ દ્વારા અફવાથી દૂર રહેવા નગરજનો સહિત આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.
શિવજીની સવારી પર પથ્થરમારો
ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ડિવિઝન બંદોબસ્ત સહિતનો બીજો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. તમામ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે. તેમને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. -- રાજેશ ગઢીયા (ખેડા જિલ્લા પોલીસ વડા)
ત્રણ પોલીસકર્મી ઘાયલ : આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા આ સામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાના ઈરાદા સાથે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા ઈસમોને ઓળખી તેમને ઝડપી પાડી ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .સાથે જ પોલીસ દ્વારા શાંતિ સ્થાપિત કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નગરજનોને અપીલ : આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઠાસરા ખાતે પરંપરાગત રીતે નીકળતી શિવજીની સવારી આજરોજ નીકળી હતી. તીન બત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે એક ધાબા પરથી અને એક જગ્યાએથી અમુક અસામાજિક તત્વો દ્વારા ઈંટો મારવામાં આવી હતી. જેને લઈ અફરાતફરી મચી હતી. બે પોલીસ કોન્સ્ટેબલ અને PSI ને સામાન્ય ઈજા થઈ છે. જેમની સારવાર કરાવી દેવામાં આવી છે.
- Kheda News: ખેડામાં ઘાતક હથિયારો સાથે ચાર ઈસમો ઝડપાયા
- Kheda Crime : ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવવાના મામલામાં હત્યાનો ગુનો નોંધાયો