નડિયાદઃ સમગ્ર રાજયમાં 65માં નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ થયો છે ત્યારે નડિયાદ ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્પોર્ટસ સંકુલમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ નેશનલ ગેમ્સમાં પ્રારંભિક ઉ્દ્દબોધનમાં વિધાર્થીઓને શુભકામના પાઠવતા સાંસદે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજયોના વિધાર્થીઓ તમામ ખેલોમાં ભાગ લઇ માત્ર ખેલમાં જ નહીં તમામ ક્ષેત્રે વિજયી થાય તેવી ક્ષમતા ધરાવે છે. આપણા દેશની વિવિધ પરંપરા અને સંસ્કૃતિનો જ આ તલવારબાજી એક ભાગ છે અને આ પરંપરાને આજે ખેલકૂદ સાથે સાંકળીને ભારત સરકાર અને ગુજરાત સરકારે ખેલકુદમાં પ્રાધાન્ય આપ્યુ છે, તે ધન્યવાદને પાત્ર છે.
દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, દેશના બાળકો દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તેવી ક્ષમતા ધરાવે છે, અને રાજય સરકાર તેમને નવી તકો આપી રહી છે. તેનો લાભ લઇ ખેલ ક્ષેત્રે આગળ વધવા આહવાન આપ્યું હતું. દેશના વિવિધ રાજયોના વિધાર્થીઓએ માર્ચપાસ્ટ કરી હતી.