- મહુધાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટમાં રૂપિયા 17.63 લાખનું કૌભાંડ
- શ્રમિકોના ખોટા જોબ કાર્ડ બનાવી બારોબાર રૂપિયા વગે કર્યા
- કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા બીજી વખત કરાયો આદેશ
ખેડાના ચુણેલમાં વાંસ કૌભાંડમાં 10 કૌભાંડીઓ સામે કાર્યવાહી માટે બીજી વખત હુકમ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વર્ષ 2012 માં જરૂરિયાત મંદ શ્રમિકોને રોજગારી પુરી પાડવાના હેતુથી સરકાર દ્વારા રૂપિયા 17.63 લાખના ખર્ચે વાંસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટને ભ્રષ્ટાચારીઓએ અજગરી ભરડો લેતાં પ્રોજેક્ટનો કોઈ હેતુ સર્યો નહોતો અને કૌભાંડીઓએ રૂપિયા બારોબાર વગે કરી દીધા હતા.જેને લઇ રજૂઆતો થતા તપાસ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાજેતરમાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 10 જેટલા કૌભાંડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી નાણાં વસુલાત કરવા સહિતની કાર્યવાહી કરવા બીજી વખત હુકમ કરવામાં આવ્યો છે.
ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટમાં કૌભાંડ (scam) આચરાયું હોવાની રજૂઆતોને પગલે તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા સ્થળ તપાસ કરાઇ હતી. જેમાં શ્રમિકોના ખોટા જોબ કાર્ડ (fake job card) બનાવી બારોબાર રૂપિયા વાપરી નાખી 17.63 લાખનું કૌભાંડ આચરાયું હોવાનું ફલિત થતાં તે અંગેનો વિગતવાર રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને મોકલાવ્યો હતો. જેને લઇ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા સરપંચ અને તલાટી સહિત 10 કર્મચારીઓ-અધિકારીઓ વિરુદ્ધ નાણાંની વસૂલાત કરવા સહિત પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો. જોકે તે આદેશને ચાર માસ જેટલો સમય થવા છતાં કોઈ વસૂલાત કે ફરિયાદ નહીં નોંધાતા વિધાનસભા તેમજ જિલ્લા સંકલનમાં તે અંગે રજૂઆતો કરાઈ હતી. જેને લઇ તાજેતરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફરીથી નાણાં વસુલાત અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરાયો છે તેમ છતાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.