મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તો બનાવવાનું કામ એક વર્ષ અગાઉ ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ થયા છતાં આ કાચા રસ્તા પર માત્ર માટી પુરાણ કરવામાં આવ્યું છે. જેમાં હાલ ચોમાસુ બેસતાં સમગ્ર રસ્તો કાદવ કીચડવાળો બન્યો છે. આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળા દ્વારા કાર્યપાલક ઈજનેર, મામલતદાર તેમજ ધારાસભ્યને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓએ રસ્તાની સમસ્યાનો કોઈ ઉકેલ મેળવ્યો નથી.
ખેડામાં લાખો રૂપિયાના આંધણ બાદ સમસ્યામાં ઘટાડાની જગ્યાએ વધારો - Gujaratinews
ખેડા: જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામથી પાટા વિસ્તાર અને સરસપુર પાટિયાને જોડતા 3 કિમીના રસ્તાનું કામ એક વર્ષ થવા છતાં પૂર્ણ થયું નથી. જેને કારણે શાળાના બાળકો અને ગ્રામજનો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબુર બન્યા છે. ગ્રામજનો રોડના આ કામમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવાની માગ કરી રહ્યાં છે.
આ અંગે ઈજનેરનું કહેવું છે કે, આ રસ્તો બનાવવામાં રસ્તા પર આવતી ખેડૂતોની જમીનના દબાણ બાબતે કામ બંધ રહ્યું છે. જ્યારે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, પૂર્વ સરપંચ અને નવા સરપંચના વિખવાદથી આ રસ્તાનું કામ અટક્યું છે.
અત્રે મહત્વનું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૩ કિમીનો રોડ બનાવવાનું આ કામ છેલ્લા એક વર્ષથી ચાલે છે. ત્યારે રસ્તો બનાવવાના નામે બેજવાબદાર તંત્ર દ્વારા ગ્રામજનોને તેમજ શાળાના બાળકોને લાખોના ખર્ચે કાદવ કીચડમાંથી પસાર થવાની ભેટ આપવામાં આવી છે. લાખોના આંધણ છતાં પણ પાકા રસ્તાની ગ્રામજનોની સમસ્યા હલ તો ન થઇ પરંતુ તંત્રના કારણે સમસ્યામાં વધારો થયો છે.