- ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
- આરોગ્ય અધિકારીઓએ બોગસ ડોક્ટર મદન શાહને ઝડપી પાડ્યો
- છેલ્લા 8 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ ડોક્ટર કરતો હતો ચેડા
ખેડાઃ ખેડામાં નડીયાદ તાલુકાના વડતાલમાં ડિગ્રી વગરનો ડોક્ટર ગ્રામજનોના ભોળપણનો લાભ ઊઠાવી રહ્યો હતો. આ બોગસ ડોક્ટર ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો હતો અને લોકોને દવા પણ આપી રહ્યો હતો. આ અંગેની જાણ આરોગ્ય શાખાને થતા આરોગ્ય અધિકારીની ટીમ વડતાલ પહોંચી હતી અને મદન શાહ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. ટીમે તપાસ કરતા તેની પાસેથી એક્સપાયરી ડેટની દવાઓ, ગર્ભનિરોધક તેમ જ ગર્ભપાત કરાવવાની દવા, આયુર્વેદિક જડીબુટ્ટી અને બિનઅધિકૃત મેડીકલ સાધનો મળી આવ્યા હતા.
છેલ્લા 8 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ ડોક્ટર કરતો હતો ચેડા 12 પાસ મુન્નાભાઈ એમબીબીએસ
આરોગ્ય વિભાગની તપાસમાં બોગસ ડોક્ટર મદન શાહ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી ધરાવતો ન હોવાનું જણાયું હતું. તેમજ તે માત્રને માત્ર 12 ધોરણ જ પાસ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે આ દવાખાનું છેલ્લા 8 વર્ષથી ચલાવી રહ્યો હતો. જોકે, સવાલ એ થાય છે કે આઠ વર્ષ સુધી આરોગ્ય વિભાગની ટીમ ક્યાં હતી. ક્યાં હતા આ અધિકારીઓ. અત્યાર સુધી કેટલાયના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ચૂક્યા હશે. તે તમામનુું જવાબદાર કોણ? આ તમામ પ્રશ્નોનો જવાબ કોણ આપશે તે અંગે અસમંજસ છે. હાલમાં તો આરોગ્ય વિભાગની ટીમે મેડીકલ પ્રેકિટસ એક્ટ મુજબ બોગસ ડોક્ટરની સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે.