- મેન્ટેનન્સ ટીમે તપાસ કરી છે,લીકેજ નથી : હોસ્પિટલ તંત્ર
- હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોમાં ભયની લાગણી ફેલાઈ હતી
- લીકેજ નહી હોવાની સ્પષ્ટતા કરતા હાશકારો
નડીયાદ: એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં લીકેજ હોવાની વાત ફેલાતા દર્દીઓના સ્વજનોમાં ભયની લાગણી ફેલાઈ હતી. જેને લઈને હોસ્પિટલ તંત્રએ મેન્ટેનન્સ ટીમ દ્વારા તપાસ કરાવ્યા બાદ લીકેજ નહી હોવાની સ્પષ્ટતા કરી હતી. હાલ હોસ્પિટલમાં 160 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા સબ સલામત હોવાના દાવા
આ અંગે એન.ડી.દેસાઈ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જ્વલિત મેહતાએ જણાવ્યું હતું કે લિક્વીડ ઓક્સિજન ગેસમાં કન્વર્ટ થતો હોવાથી હવાના ભેજના સંપર્કમાં આવતા બરફ થતો હોય છે. આ બરફ ગરમ હવાના સંપર્કમાં આવતા વરાળ કે ગેસ નીકળતો હોય છે. જે સામાન્ય બાબત છે, લીકેજ નથી. એનાથી દાખલ દર્દીઓને કોઈ જોખમ નથી. હાલ હસ્પિટલમાં 160 દર્દીઓ દાખલ છે. સ્વજનોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ ટીમે તપાસ કરી લીધી છે તેમજ સતત મોનિટરીંગ કરે છે.
દર્દીઓના સ્વજનોમાં ભયની લાગણી ફેલાઈ
ચારેબાજુ ઓક્સિજનની અછત વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીકેજ થવાની વાત ફેલાવા પામી હતી. જેને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે હોસ્પિટલે લીકેજ નહી હોવાની સ્પષ્ટતા કરતા હાશકારો થયો હતો.