ખેડાઃ જિલ્લાના ખનીજચોરો સામે કાર્યવાહીમાં નિષ્ફળતાથી ભ્રષ્ટાચાર વકર્યો હોવા સહિતના વિવિધ આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યએ અગાઉની સંકલન સમિતિની બેઠકમાં પૂછાયેલા પ્રશ્નોનો કોઈ સંતોષકારક જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા નથી. અધિકારીઓ અને અન્ય ભ્રષ્ટાચારીઓ સાથે ભેગા મળી છાકટા બની ગયા છે. તેમજ તેઓ બેફામપણે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.
મહુધાના કોંગી ધારાસભ્યએ નારાજગી વ્યકત કરી આપી અનશનની ચીમકી - મહુધાના ધારાસભ્ય
ખેડા જિલ્લામાં પ્રજાના પ્રશ્નોને ન્યાય ન મળતો હોવા સહિતના વિવિધ આક્ષેપોને લઈ મહુધાના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી અનશનની ચિમકી ઉચ્ચારી છે. ખેડા જિલ્લામાં પ્રજાના પ્રશ્નોને ન્યાય મળતો નથી અને ભ્રષ્ટાચારીઓને જીલ્લાતંત્ર છાવરતુ હોવાની મહુધાના કોંગી ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે નારાજગી વ્યક્ત કરી હતી. આગામી સમયમાં જો પ્રજાલક્ષી પ્રશ્નોના સકારાત્મક જવાબ નહી મળે તો કલેકટર કચેરી સામે અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડા જિલ્લામાં બાળ મૃત્યુદર અને કુપોષણનો અન્ય જિલ્લા કરતા વધ્યો છે જે ચિંતાજનક બાબત છે. સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ આરોગ્ય તંત્ર સજાગતાથી કામ કરતું નથી, તેથી આ દર વધી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે ખેડા જિલ્લાના ખનિજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નિષ્ફળતાથી તંત્રના અધિકારીઓને ખનીજચોરોની મિલીભગતથી ખુલ્લો ભ્રષ્ટાચાર વકર્યો હોવાના,વિકાસ કાર્યોમાં વ્યાપક ગેરરીતિ,નગરપાલિકાને લગતા પ્રશ્નોમાં જિલ્લાતંત્ર ધારાસભ્યોના અધિકારોની અવમાનના કરતુ હોવાનું અને પાલિકાના ભ્રષ્ટાચારને પોષતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સંકલન સમિતિની બેઠકો માત્ર ઔપચારિકતા જ રહી છે પ્રજાના પ્રશ્નોને કોઈ જ વાચા આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
આગામી સમયમાં જો હકારાત્મક જવાબ તંત્ર દ્વારા નહીં મળે તો કલેક્ટર કચેરી સામે અનશન પર ઉતરવાની લેખિતમાં કલેક્ટરને જાણ કરવામાં આવી હોવાનું ધારાસભ્યે જણાવ્યું હતું.