મહત્વનું છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના ૨૬ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૧૭ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરી ગામડાઓમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જયારે અન્ય પ્રશ્નોનું નિરાકરણ પ્રગતિ હેઠળ છે.
જિલ્લા પ્રભારી સચિવ એ.કે.રાકેશે બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા જણાવ્યું હતું. જે ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન હોય તે ગામોમાં સત્વરે એકશન પ્લાન ઘડી કે આગોતરૂ આયોજન કરી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં તેમણે ખાસ જણાવ્યું હતું. પીવાના પાણીના પૂર્ણ થયેલ કામોમાં વીજળી કે પાઇપ લાઇન કનેકશન કે અન્ય બાબતને લીધે કામ અટકયું હોય તો તેવા વખતે જુદી જુદી કચેરીઓને સંકલન કરવા તેમણે જણાવ્યું હતું.