- કોરોનાને કારણે રોડનું કામ અટક્યું હતુ
- રોડને વરસાદનું પાણી તેમજ સમય મળતા મજબૂત બનશે
- દેર આયે દુરસ્ત આયે જેવી સ્થિતિ સર્જાઈ
ખેડામાં કોરોનાએ ગામનો રોડ બનાવ્યો મજબૂત
ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના બલાડી ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બલાડીથી શંકરપુરાનો રોડ રૂપિયા 59,24,800ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. જેનુ કામ ચાલુ થતા લોકડાઉન જાહેર કરતા કામ બંધ રાખવામાં આવ્યું હતું. રોડનું કામ પૂરું થયા વિના કામ પૂરૂં થયાનું બોર્ડ મારતા ભારે ગેરસમજ ફેલાઈ હતી. જે બાબતે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઇ ધારાસભ્ય દ્વારા માર્ગ મકાન વિભાગમાં તપાસ કરતા લોકોની જાણ માટે બોર્ડ માર્યું હોવાનું તેમજ કોરોનાને કારણે કામ બંધ રહ્યું હોવાથી સમય મર્યાદા વધારવામાં આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
કોરોનાને કારણે રોડ મજબૂત બનશે તેમ ગ્રામજનો માને છે
એક તરફ ઉતાવળે નવા બનાવેલા રોડ પર થોડા જ સમયમાં ખાડાઓ થઈ જાય છે, ત્યારે અહીં માટી મેટલ કામ બાદ કામ બંધ રહેતા વરસાદનું પાણી મળતા અને જરૂરી સમય મળતા રોડ મજબૂત બનશે તેમ ગ્રામજનો માની રહ્યા છે. કોરોનાને કારણે રોડ મજબૂત બનશે તેમ ગ્રામજનો સહિત અગ્રણીઓ કહી રહ્યા છે. સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ બનાવવાના ટૂંકાગાળામાં ખાડાનું સામ્રાજય છવાઇ જાય છે. જેમાં સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ઉતાવળ તેમજ નફાનું ધોરણ વધારવા જેમતેમ રોડ બનાવી દેવાતો હોય છે. જે રોડ થોડા જ સમયમાં ખાડાઓથી ભરાઈ જાય છે.
ટૂંક સમયમાં મજબૂત રોડની સુવિધા ઉપલબ્ધ થશે
માટી મેટલ કામ બાદ અહીં કોરોનાને કારણે લોકડાઉન થતા કામ અટકી ગયું હતું. જેથી વરસાદમાં રોડને પાણી મળતા અને જરૂરી સમય મળતાં રોડ મજબૂત બનશે તેમ લોકો માની રહ્યા છે. ઉપરાંત 500 મીટરનો ખૂટતો રોડ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધારવામાં આવ્યો છે. જે આશીર્વાદરૂપ નિવડ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, ત્યારે દેર આયે દુરસ્ત આયે જેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનો ટૂંક સમયમાં મજબૂત રોડની સુવિધા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.