ખેડાઃ કોરોના વાઇરસની અસર વધતા દેશમાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. જેને લઈ અન્ય રાજ્યમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી. જ્યાં હોસ્ટેલ/ગેસ્ટ હાઉસ કે, પછી પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતાં ત્યાં રહેવાની ખૂબ જ તકલીફ, બજારો બંધ હોવાથી કાંઇ મળે નહિં, બીજું લોકડાઉનના કારણે પૈસાની પણ તંગી થઇ ગઇ હતી. તેથી તેઓએ ટેલીફોનના માધ્યમથી પોતાના કુટુંબીજનો અને વાલીઓને તેમની આપવીતી જણાવી હતી.
આ વાત જાણીને તેમના વાલીઓ દ્વારા સ્થાનિક પ્રશાસન અને ધારાસભ્યો તથા સાંસદો પાસે તેમના બાળકોને વતન પાછા લાવી આપવાની માંગણી પ્રબળ બનાવી હતી.
નાગરિકોની તકલીફ રાજય સરકારના ધ્યાને આવતા રાજય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસો મૂકી કોટામાં રહેતા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને વતન પાછા લાવવાનો નિર્ણય કર્યો હતા. કોટા ખાતે વિદ્યાર્થીઓનું મેડિકલ સ્કેનીંગ કરી બસમાં ગુજરાત રવાના કરવામાં આવ્યા હતા.
કપડવંજની અને કોટામાં રહી મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરતી ભટ્ટ કુશાલી અતુલભાઇએ જણાવ્યું હતું કે, હું ધો-12 પાસ કરી મેડિકલના અભ્યાસ માટેની તૈયારી કરવામા માટે કોટા ગઇ હતી. ત્યાં 15મી માર્ચથી લોકડાઉન જાહેર થતા જેમ તેમ કરીને અમે પ્રથમ લોકડાઉનનો સમય પસાર કર્યો હતો, પરંતુ લોકડાઉન લંબાતા અમારી તકલીફ વધી, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત થતું ન હતું અને વતન યાદ આવતું હતું. ખાવા પીવાની પણ તકલીફ પડતી હતી. અમે અમારા વાલીઓનો સંપર્ક કરી અમોને વતન લઇ જવાની અપીલ કરી હતી.
અમારી અપીલને ધ્યાને લઇ સરકારે બસની વ્યવસ્થા કરી આપી તે અમારા માટે ખૂબ જ આનંદની વાત હતી અને અમે આજે ઘરે આવી ગયા તેથી અમારા માનસીક સંતુલનમાં પણ મોટી રાહત થઇ છે. અમે ગુજરાત સરકારના આભારી છીએ.
ખેડા જિલ્લામાં આવા નડિયાદના ચાર અને એક કપડવંજની એમ મળી કુલ 5 વિદ્યાર્થીઓને બસ દ્વારા નડિયાદ કલેકટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.