ગુજરાત

gujarat

By

Published : Mar 5, 2020, 4:21 AM IST

ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયા ખેડાના મહેમદાવાદની રોજા રોજી દરગાહ

ખેડાના મહેમદાવાદ તાલુકામાં આવેલા સોજાલી ગામમાં ૧૫મી સદીની ઐતિહાસિક રોજા રોજી દરગાહ (મુબારક શહીદનો મકબરો) આવેલી છે. જે ખેડા જિલ્લાનું સુંદર અને જોવાલાયક ઐતિહાસિક સ્થાપત્ય છે. જે ગ્રામ્ય વિસ્તારમાં નદી કિનારે આવેલું એક લોકપ્રિય પિકનિક સ્પોટ પણ છે.

Etv Bharat, Gujarati News, Kheda News
ડિસ્કવર ઈન્ડિયા ખેડાના મહેમદાવાદની રોજા રોજી દરગાહ

રોજા રોજીની આ દરગાહ ખેડા જિલ્લાના એક તાલુકા મથક એવા મહેમદાવાદ શહેરથી ત્રણેક કિલોમીટરના અંતરે આવેલા સોજાલી ગામે વાત્રક નદીના કિનારે આવેલું છે. જેનું ૧૫મી સદીમાં સુલતાન મહેમૂદશાહ બેગડા દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

ડિસ્કવર ઈન્ડિયા ખેડાના મહેમદાવાદની રોજા રોજી દરગાહ

સુલતાન મહેમૂદશાહ બેગડાએ વાત્રક નદીના કાઠાની હવા પસંદ આવવાથી ત્યાં પોતાના નામથી શહેર વસાવ્યું હતું. મહેમૂદશાહના નામ પરથી શહેરનું નામ મહેમૂદાબાદ રાખવામાં આવ્યું હતું. જે સમય જતાં અપભ્રંશ થઈને મહેમદાવાદ થઈ ગયું હતું.

મહેમૂદશાહ બેગડાએ શહેર વસાવ્યા બાદ શહેરની નજીક સોજાલી ગામે વાત્રકના કિનારે મુબારક શહીદના આ મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. જે રોજા રોજી દરગાહ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, સ્થાનિક તેમજ અરબસ્તાનના અનેક કારીગરો દ્વારા ૩૫ વર્ષ સુધી આ દરગાહનું બાધકામ ચાલ્યું હતું. આ સુંદર અને ઐતિહાસિક સ્થાપત્યનું બાધકામ અને કોતરણી કામ જોવાલાયક તેમજ નોંધનીય છે. જે હાલ સરસ રીતે જળવાયેલું છે. એવી માન્યતા છે કે, દરગાહના પિલ્લરોની સાચી ગણતરી થઈ શકતી નથી. જેટલી વખત ગણો તેટલી વખત જુદો જ આંકડો આવે છે. આવું કદાચ તેની વિશેષ ડિઝાઇનને લીધે થતું હશે.

તેની નજીકમાં જ એક અન્ય મકબરો પણ આવેલો છે. જે નાનો છે તે રોજી તરીકે ઓળખાય છે. જો કે, તે જીર્ણ અવસ્થામાં છે. બંને સંયુક્ત રીતે રોજા રોજી તરીકે લોકોમાં ઓળખાય છે. જેને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલો છે.

આ સ્થળ મુસ્લિમ સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરગાહે માથું ટેકવા આવે છે. આ દરગાહમાં દર વર્ષે ઈદ ઉલ ફિત્ર પછીના દસમા દિવસે ઉર્સ (મેળો) ઉજવાય છે. રવિવાર તેમજ રજાના દિવસોમાં અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે. આ સ્થળ ગ્રામ્ય વિસ્તારના લોકો માટેનું લોકપ્રિય પિકનિક સ્પોટ છે.

ABOUT THE AUTHOR

...view details