ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વઘી રહ્યો છે. લોકોના આત્મહત્યાના કિસ્સા પણ અવારનવાર અખબારોમાં આવતા હોય છે. સરકાર દ્વારા આ ગંભીર મામલે નક્કર પગલા લેવા જોઇએ. ત્યારે આવો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે.
વધુમાં જણાવીએ તો, નડિયાદમાં શારદા મંદિર પાછળ આવેલા સાંઈ ડુપ્લેક્સમાં રહેતા અને વ્યવસાયે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર નિશાંત પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
વ્યાજખોરો દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરી કિડની વેચીને પણ રૂપિયા ચૂકવવા ધાકધમકી આપવામાં આવતા આખરે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું.
ઘટનાના પગલે કોન્ટ્રાક્ટર નિશાંત પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, શહેરમાં વ્યાજખોરોના ત્રાસના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આત્મહત્યા કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે.