ડાકોરઃ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી મહોત્સવ બંધ બારણે યોજાશે. તેમજ વર્ષોની પરંપરા મુજબ બીજે દિવસે યોજવામાં આવતો નંદ મહોત્સવ આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિરમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને પગલે કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલનને લઈને મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.
ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની બંધ બારણે ઉજવણી, ઘરે બેઠા કરો દર્શન - દર્શનાર્થીઓ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી મહોત્સવની બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના ચુસ્ત પાલનને લઈને ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે જાણો જન્માષ્ટમી મહોત્સવનો સમગ્ર કાર્યક્રમ અને ઘરે બેઠા કરો જન્માષ્ટમીના રણછોડરાયજીના દર્શન.
મંદિરમાં વારાદારી પૂજારીઓને પણ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ પાસ આપવામાં આવ્યા છે. જે સેવક પૂજારી જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજ રોજ જન્માષ્ટમીની રાત્રીના 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મ ઉત્સવનો પ્રારંભ થશે. રણછોડરાયજી પ્રભુને લલાટે કુમકુમ તિલક કરી સલામી સાથે પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન, શુદ્ધોદક્ત સ્નાન બાદ ચુનરીયા વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે. બાદમાં અમૂલ્ય હીરા અને રત્નો જડિત ઝર ઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવવામાં આવશે.
જન્માષ્ટમીની આ સેવા દર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝૂલાવવામાં આવશે. જે સમયે પ્રભુના જન્મોત્સવના કીર્તનથી લાડ લડાવવામાં આવશે. કોરોના મહામારીને પગલે સમગ્ર જન્મોત્સવ બંધબારણે મંદિરમાં ઉજવામાં આવશે. તેમજ વર્ષોની પરંપરા મુજબ બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. જે આ વર્ષે રદ કરવામાં આવ્યો છે.