- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ
- ભાજપ દ્વારા તાલુકા પંચાયત પ્રચાર અભિયાનની શરૂઆત
- મહુધા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે : દેવુસિંહ ચૌહાણ
ખેડા:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનો પ્રચાર કાર્યનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડાની કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
ખેડાની મહુધા તાલુકા પંચાયત માટે આજથી પ્રચારની શરૂઆત કરવામાં આવી
ભાજપ દ્વારા સાંસદ દેવુંસિંહ ચૌહાણની આગેવાનીમાં ખેડાની મહુધા તાલુકા પંચાયત માટે આજથી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારમાં લોકસંપર્ક અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના પ્રચાર અભિયાન અંતર્ગત લોકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ કામો જણાવીને વિકાસને વરેલી ભાજપને મત આપવા જણાવાઇ રહ્યું છે.
મહુધા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે : દેવુસિંહ ચૌહાણ
આજે તાલુકામાં પ્રચારની ચુણેલ ખાતેથી શરૂઆત કરતા દેવુસિંહ ચૌહાણે ભાજપની ભવ્ય જીત થશે તેવો હુંકાર કર્યો હતો. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મહુધામાં પરિવર્તન નિશ્ચિત બન્યું છે. ભાજપ તરફી માહોલ સર્જાયો છે. જેને લઈને તાલુકા પંચાયતની તમામે 18 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, ખેડાનું મહુધા કોંગ્રેસનો ગઢ ગણાય છે. વર્ષોથી અહીં વિધાનસભા તેમજ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો છે. ચૂંટણી પહેલા અનેક સ્થાનિક આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસના ગઢ મહુધા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર જીતનો ભાજપનો દાવો