લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ પક્ષો પોતાની પાર્ટીને જીતાડવા કામે લાગ્યા છે, ત્યારે ખેડામાં પણ પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. અનેક નાના મોટા નેતાઓ ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જીત અપાવવા અને ખેડામાં કમળ ખીલે તેવા પ્રયત્નો સાથે પ્રચાર કરી રહ્યા છે. જેમાં ખેડાના કપડવંજમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સભા સંબોધી હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ખેડા : જિલ્લાના કપડવંજમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સભા સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર હતા. તેમણે લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી.
તેમણે ખેડામાં ભાજપ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, 350 બેઠકમાં મજબૂત નેતાગીરી છે. મજબૂત સરકાર છે. સામે પક્ષે મજબૂર લોકો બેઠા છે. નરેન્દ્રભાઈના વિકાસના વૈશ્વિક સંબંધોના જે સફળતાનું પૂર છે, એ પૂરમાં તણાઇ જવાના ડરથી બધા વિરોધ પક્ષો ભેગા થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હજુ ભેગા થયા નથી અને ભેગા થવાની પણ એમની મજબૂરી છે. તેઓ ક્યારેય ભેગા થઇ શકશે નહિ. મોદી મોદી અને ફિર એક બાર મોદી સરકાર કહી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા.