- મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત રોડ બન્યા વિના જ બોર્ડ મારી દેવાયું
- બોર્ડમાં કામ પૂર્ણ થયેલ હોવાનું દર્શાવાયું
- રૂપિયા 48.92લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો
ખેડા :માતર તાલુકાના વણસર ગામના ખેડુતોને ખેતરમાં જવા-આવવાનો 1,200 મીટરનો રસ્તો મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત રૂપિયા 48.92લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. કોન્ટ્રક્ટરે રસ્તો બનાવ્યો ન હોવા છતાં કોઇ ઇસમ બે દિવસ પહેલા રાત્રિના સમયે મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત બોર્ડ ઉભુ કરી જતો રહ્યો હતો. રોડ બન્યા સિવાય બોર્ડ મારી દેવાતા ગામમાં અચરજ ફેલાયું હતું. જેને લઈ ગામમાં વિવિધ ચર્ચાએ ભારે જોર પકડયું હતું.
બોર્ડમાં કામ પૂર્ણ થયું હોવાનું દર્શાવાયું
આ બોર્ડમાં 1,200 મીટરનો રસ્તો તા.12-12-19ના રોજ કામની શરૂઆત થઇ હોવાનું અને તા.11-9-20 ના રોજ કામ પૂર્ણ થયું હોવાનું દર્શાવાયું છે. આ સંદર્ભે ગામના અગ્રણી નલીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામનો રોડ આજ દિન સુધી બન્યો જ નથી, તેમ છતાં બોર્ડ મારી દેતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
વગર રોડે ગ્રામ સડક યોજનાનું બોર્ડ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે
માતર કાર્યપાલક ઇજનેર ડી.બી.હળપતીએ જણાવ્યું હતું કે, આ બાબતે ઇજારેદાર દ્વારા તેની સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરતાં તેને તા. 31મી ડિસેમ્બર,2020ના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેમણે જણાવાયું હતું કે, નોટિસ મળ્યા બાદ ઇજારેદાર દ્વારા કામ ચાલુ નહીં કરવામાં આવે તો ટેન્ડર મેન્યુઅલની શરતો મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આજ દિન સુધી આ રોડનું કોઇ પેમેન્ટ કરવામાં આવ્યું નથી.
ખેડામાં રોડ બન્યા સિવાય જ રોડ બન્યાનું બોર્ડ મારી દેવાતા લોકોમાં રોષ
જાહેર જનતાની જાણ અર્થે બોર્ડ મૂકવામાં આવ્યું છે
ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પં)ના કાર્યપાલક શર્માના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષની વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ કામ મૂળ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી. આ કામગીરી કરવાની હજી બાકી છે તથા આ કામ પેટે ઇજારદારને કોઇપણ પ્રકારનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. આ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે. કામની વિગતો દર્શાવતું બોર્ડ જે દરેક કામ પર ઇજારદાર દ્વારા જાહેર જનતાની જાણ અર્થે મૂકવામાં આવે છે એટલે મુકાયું છે.