ખેડા:અમદાવાદ-ઈન્દોર હાઇવે પર વહેલી સવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુર પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 થી વધારે મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ તેમજ ગોધરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર મોટા ખાડાઓ પડેલા છે. જેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેને લઈ હાઇવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 25થી વધુ લોકો ઘાયલ
ખેડા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ તેમજ ગોધરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Published : Nov 28, 2023, 3:10 PM IST
બે ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત:વહેલી સવારે ગળતેશ્વર તાલુકાના મેનપુર પાસે હાઈવે પરથી પસાર થઈ રહેલી બે ટ્રાવેલ્સ બસ અથડાઈ જવા પામી હતી. બે બસોની અથડામણમાં પસાર થઈ રહેલી એક રિક્ષા પણ અડફેટે આવી જવા પામી હતી. જેમાં એક ટ્રાવેલ્સ બસ અમદાવાદના નરોડાના મુસાફરોને લઈ ઉજ્જૈનથી પરત ફરી રહી હતી જ્યારે અન્ય ટ્રાવેલ્સ બસ મુસાફરોને લઈ મધ્યપ્રદેશથી જામજોધપુર જઈ રહી હતી.
25થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત:બે ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચેની અથડામણમાં 25 ઉપરાંત વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જોરદાર ટક્કરને પગલે એક બસ આડી પડી ગઈ હતી. જેમાંથી ભારે જહેમતથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રેન અને બુલડોઝરની મદદથી બસને ઉભી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો સહિત સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમના દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે અમદાવાદ તેમજ ગોધરા ખાતેની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.