- કોરોનામાં દર્દીઓના મોતથી વ્યથિત ડૉક્ટરનો વૃક્ષપ્રેમ
- નડીયાદના ડૉક્ટરે સ્વખર્ચે વાવ્યાં 100થી વધુ વૃક્ષ
- સોસાયટીને હરીભરી બનાવી પ્રકૃતિમાંથી શાંતિ શોધી
નડીયાદઃ ડો.નરેશભાઇ ચૂડાસમા કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ચોમાસા પહેલાં 100 વૃક્ષો વાવી ચૂક્યાં છે. કોરોનાકાળના સંકટમાંથી બોધપાઠ મેળવી દરેક સોસાયટીમાંથી ઓછામાં ઓછો એક સભ્ય પણ સોસાયટીને વૃક્ષો રોપી હરિયાળી બનાવવાનું બીડું ઝડપે અને બાકીના સભ્યો તે વૃક્ષોની હળીમળીને માવજત કરે તો સમગ્ર નડીયાદ હરિયાળું બની શકે છે તેવી અપીલ ડોક્ટર ચૂડાસમાએ કરી છે.
કોંક્રીટ જંગલોને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી ગયુંઃ-ડૉ.નરેશભાઇ. ચૂડાસમા
ડૉ.નરેશભાઇ. ચૂડાસમાએ કહ્યું કે કુદરતે પહેલેથી જ આપણને કુદરતી ઓક્સિજન એવા વૃક્ષોની ભેટ આપી હતી. પણ ક્રોકીંટના જંગલોને કારણે વૃક્ષોનું નિકંદન નિકળી ગયું. હાલ કોરોનાએ જે રીતે દેશને સંકટમાં મુકી દીધો હતો. તે જોતાં હવે લોકોએ જાગૃત બનવાની જરૂર છે કોરોના મહામારીમાં દર્દીઓ માટે ડોક્ટરો દેવદૂત બનીને આવ્યાં હતાં. જો કે કોરોનાથી થયેલ મોત, વિખૂટાં પડેલા પરિવારો, ઓક્સિજન મેળવવા માટેની તકલીફે દેવદૂત એવા ડોક્ટર્સને પણ વ્યથિત કરી દીધાં હતાં. ત્યારે આ પરિસ્થિતિ અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા માટે નગરને હરિયાળું બનાવવાની જરૂર છે. તેવા ઉમદા વિચાર સાથે એક પહેલ કરી હતી.
ડૉક્ટરની પહેલથી પ્રેરાઈ અનેક લોકોએ પોતાના વિસ્તારને હરિયાળી બનાવવા પ્રયાસ કર્યો
ડૉ.નરેશભાઈએ જણાવ્યું હતુ કે તેમણે સૌ પ્રથમ શરૂઆત પોતાની સોસાયટીમાં કરી હતી. શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલ શ્રીજીધામ સોસાયટીમાં સ્વખર્ચે બ્રેકરની મદદથી ખાડા ખોદી 50 છોડ રોપી તેને ફાઇબરની નેટથી સુરક્ષિત કર્યા હતા. ડોક્ટરની આ પહેલથી પ્રેરાઇ અનેક યુવાઓએ પણ તેમની પાસેથી છોડ લઇને પોતાના વિસ્તારોને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.