જૂનાગઢ : સમગ્ર વિશ્વમાં આજે રેડીયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યુનેસ્કો દ્વારા ત્રણ નવેમ્બર 2011ના દિવસે આયોજિત થયેલી કોન્ફરન્સમાં રેડીયોને પ્રત્યાયનનું પ્રબળ અને મજબૂત માધ્યમ ગણીને દર વર્ષની 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે 13 ફેબ્રુઆરી 2012થી સમગ્ર વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ છે. માર્કોની દ્વારા રેડીયોની સૌપ્રથમ વખત શોધ કરવામાં આવી હતી, ત્યારે આજે પણ પ્રત્યાયનના વિસ્ફોટની વચ્ચે વર્ષો બાદ રેડીયો વિશ્વનું સૌથી પ્રબળ પ્રત્યાયનનું માધ્યમ બની રહ્યું છે.
યુનેસ્કો દ્વારા રેડીયોમાં સમાચાર આપવાની પ્રથા :વર્ષ 1946માં યુનેસ્કો દ્વારા પ્રથમ વખત રેડીયો મારફતે સમાચાર અને અન્ય ઉપયોગી જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી રેડીયો જનજનના સમૂહ માધ્યમનું કેન્દ્ર બની ગયો હતો. રેડીયોને અભિવ્યક્તિ અને આઝાદીનું પ્રબળ અને સબળ માધ્યમ આજે પણ માધ્યમોના આધુનિકરણ અને અતિક્રમણની વચ્ચે માનવામાં આવે છે. રેડિયોના માધ્યમથી લોકોને શિક્ષણ આપવાની સાથે માહિતીનું આદાન-પ્રદાન વિવિધ પ્રાંત અને દેશોની સંસ્કૃતિઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું તે પણ વિશ્વ રેડિયો દિવસની ઉજવણીની ઉપલબ્ધતા માની શકાય. વર્ષ 2012માં 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. જેનો શ્રેય ઈટલીના સંશોધનકાર ગુગલીએલમો માર્કોનીને વિશ્વના પ્રથમ રેડીયોની શોધ કરવા બદલ આપવામાં આવે છે.
આજે પણ સમગ્ર વિશ્વમાં રેડિયો પ્રચલિત :આધુનિક ટેકનોલોજીના સમયમાં રેડીયો આજે પણ સંદેશા વ્યવહારની આવશ્યકતાને પુરવાર કરી રહ્યો છે. વર્ષ 1895માં ઈટલી એ પોતાનું પ્રથમ રેડીયો સિગ્નલ મોકલ્યું અને તેને પરત પ્રાપ્ત પણ કર્યું હતું. વર્ષ 1899માં સુધીમાં ઇંગલિશ ચેનલ પર પ્રથમ વખત રેડીયોના વાયરલેસ સિગ્નલ મોકલવામાં સફળતા મળી હતી. ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1943ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડીયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતી આપવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ જોવા મળે છે.