જૂનાગઢ:આજે સમગ્ર વિશ્વમાં હાસ્ય દિવસની (World Laughter Day) ઉજવણી થઈ રહી છે. શું તમે જાણો છો કે, વિશ્વવ્યાપી હાસ્ય યોગ આંદોલનના સંસ્થાપક ડો. મદન કટારિયા દ્વારા 1998માં વર્લ્ડ લાફ્ટર ડેની શરૂઆત (Beginning of World Laughter Day) કરવામાં આવી હતી. 70થી વધુ દેશોમાં વર્લ્ડ લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે. ડો. કટારિયાએ 1995માં લાફ્ટર યોગ આંદોલનની શરૂઆત એ ઉદ્દેશ સાથે કરી હતી કે ચહેરાની પ્રતિક્રિયા એ દર્શાવે છે કે, કોઈ પણ વ્યક્તિના ચહેરા પરના ભાવ તેની ભાવનાઓ પર અસર કરે છે. એ હાસ્યના માધ્યમથી ભાઈચારા અને દોસ્તીની વૈશ્વિક ચેતનાનું નિર્માણ પણ કરે છે. જૂનાગઢમાં પણ પાછા 15 વર્ષથી યોગ અને હાસ્યકલબ ચાલી રહી છે જેમાં વહેલી સવારે શરીરને તંદુરસ્તી આપતા યોગની સાથે તણાવ મુક્ત બનાવતા હાસ્ય યોગનો પણ સહારો લેવાય રહ્યો છે.
વિશ્વ હાસ્યદિવસ: હસતા રહો, ખીલતા રહો અને સ્વસ્થ રહો આજે છે વિશ્વ હાસ્ય દિવસ: કોઈ પણ વ્યક્તિને તમામ પ્રકારની ચિંતા માનસિક અસંતુલના અને શરીરને હળવું ફૂલ બનાવીને આપતા યોગ તરીકે હાસ્યની હવે ધીમે ધીમે આપણા દેશમાં સ્વીકૃતિ મળી રહી છે, ત્યારે તબીબી વિજ્ઞાન પણ એવું માની રહ્યું છે કે, હાસ્ય કોઈપણ વ્યક્તિના જીવનને તણાવથી મુક્ત અને સહજ દિનચર્યા માટે આજે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આધુનિક સમયમાં કામકાજની દોડભાગની વચ્ચે હાસ્ય આજે ભૂલાતુ જાય છે જેને લઈને હાસ્ય દિવસની ઉજવવાની વિશેષ પરંપરા 1998 માં મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ કરવામાં આવી હતી.
હાસ્ય યોગ થકી શરીર તણાવમુક્ત અને નીરોગી બને: હાસ્ય આજે શરીર માટે ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. આધુનિક સમયમાં લોકો હાસ્યને વિસરી રહ્યા છે મન મૂકીને કરેલુ હાસ્ય શરીરમા તમામ પ્રકારના રોગોને પ્રવેશતા અટકાવે છે, જે વાસ્તવિકતા આજે લોકો અજાણતા ભૂલી રહ્યા છે. આપણા ધર્માચારીઓ અને યોગાચારીઓએ પણ હાસ્યનો યોગ તરીકે સ્વીકાર કર્યો છે, ત્યારે હાસ્ય થકી વ્યક્તિ ઉર્જાવાન બનવાની સાથે સમાજ જીવનને સંપૂર્ણ બનાવવા માટે પણ હાસ્ય આજે આટલું જ ઉપયોગી અને મહત્વનું માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં પાછલા પંદરેક વર્ષથી સિનિયર સિટીઝન મંડળ દ્વારા યોગ અને હાસ્ય ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને વહેલી સવારે વયોવૃદ્ધ અને સિનિયર સિટીઝન વ્યક્તિઓ યોગ અને હાસ્ય થકી શરીરને તંદુરસ્ત બનાવતા જોવા મળી રહ્યા છે.
આજે વિશ્વમાં 6 હજાર કરતાં વધુ હાસ્ય કલબો: હાસ્ય પ્રત્યેક વ્યક્તિના જીવનનું ભાગ બને તે માટે આજે સમગ્ર વિશ્વમાં હાસ્યની અંદાજિત 6 હજાર કરતાં વધુ ક્લબ કામ કરી રહી છે, જેમાં લાખો લોકો હાસ્યના યોગ કરીને જીવનને તણાવ મુક્ત બનાવી રહ્યા છે, હકારાત્મકતાની સાથે સકારાત્મકતા અને પ્રત્યેક વ્યક્તિને શક્તિશાળી બનાવવાની સાથે ઊર્જવાન બનાવવાની શક્તિ હાસ્ય ધરાવે છે. હાસ્ય દિવસની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વની શાંતિ એકતા અને ભાઈચારાની સાથે સદભાવનાનું સ્થાપન થાય, તેવા ઉમદા કાર્ય માટે કરવામાં આવ્યો છે. તન અને મનને તંદુરસ્તી આપતા હાસ્ય યોગ ક્લબ ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં 1998 થી હાસ્ય દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી, જે આજે પણ અવિરત પણે જોવા મળે છે.