જૂનાગઢ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે વિશિષ્ટ યોગદાન અને વિશિષ્ઠ સેવાઓ કરતી મહિલાઓની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઇ રહી છે અને આગામી દિવસોમાં નોંધપાત્ર મહિલાઓની સિદ્ધિઓને સમગ્ર દેશમાં યાદ કરવામાં આવશે. ત્યારે કેટલીક મહિલાઓ એવી પણ હોય છે કે, જેમને જન્મજાત કે અન્ય કોઇ કારણોસર શારીરિક અપંગતા કે ખોટ ખાપણ નો સામનો કરવો પડયો હોય. ત્યારે એક મહિલા તરીકે જીવન ખૂબ જ મુશ્કેલ અને કપરું બનતું જાય છે. પરંતુ જૂનાગઢના નીલાબેન આવી જ જન્મજાત ખોડખાપણ ધરાવતા હતા પરંતુ અડગ મનોબળ ના કારણે તેઓ આજે જીવનના 60 વર્ષ પૂર્ણ કરીને સફળ મહિલા તરીકે આજે પણ સમાજમાં માનભેર જીવી રહ્યા છે.
#HappyWomensDay : શારીરિક રીતે અપંગ હોવા છતાં સફળતાના શિખર સર કરતી જૂનાગઢની મહિલાઓ - જૂનાગઢની અપંગ મહિલાની કહાની
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે જૂનાગઢમાં રહેતા નીલાબેન અવાશિયા સમગ્ર મહિલા સમાજ માટે એક આશાનું કિરણ બનીને ઊભા રહ્યા છે. એક હાથ વગર જન્મ લેનારા નીલાબેન આજે સફળતાપૂર્વક જીવનના 60 વર્ષ પૂર્ણ કરીને દરેક મહિલાઓ માટે એક આદર્શ ઉદાહરણ બની રહ્યાં છે.
જન્મથી જ એક હાથ નહીં હોવાને કારણે નીલાબેને તેના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ અને સારા નરસા સમયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અડગ મનોબળને કારણે એક હાથ ન હોવા છતાં પણ નીલાબેન સરકારી નોકરી કરવા સુધીની લાયકાત મેળવી શક્યા દૈનિક જીવનમાં કરવામાં આવતા દરેક કામ નીલાબેન બખૂબી કરી જાણે છે. તો સાથોસાથ સરકારી નોકરીને સમય દરમિયાન તેમને સોંપવામાં આવતું દરેક કામ એક સામાન્ય વ્યક્તિ કરે તે પ્રકારે સમયની મર્યાદામાં કરતા હતા તેને જોઇને તેમના સહ કર્મીઓ પણ ખૂબ જ અચંબિત રહી જતા હતા. જો સારીરીક ખોડખાપણને શ્રાપ ગણીને બેસી રહેવામાં આવે તો દુનિયાનો મજબૂત અને સક્ષમ વ્યક્તિ પણ કશું કરી શકવાને સમર્થ હોતો નથી. પરંતુ કહેવાય છે ને કે કિનારે બેઠેલાને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવું જ અડગ મનોબળ ધરાવતાં નીલાબેન આજે કુદરતી ખોડખાપણ ને આશીર્વાદ માનીને જીવન માં ખૂબ જ સારું કામ કરી અન્ય મહિલાઓ માટે પણ આદર્શ ઉદાહરણ બની રહ્યા છે.