એક મહિનાની લાંબી કવાયત અને ચૂંટણી પ્રચાર બાદ આજે જૂનાગઢ મનપાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. વહેલી સવારના આઠ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યે કોઈ પણ અનિચ્છનીય બનાવો બન્યા વગર સંપન્ન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ આ વર્ષના મતદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં અંદાજિત 49.68 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
જૂનાગઢ મનપાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, 49.68 ટકા મતદાન નોંધાયું શહરેમાં આજે સવારે મતદાન શરૂ થયું ત્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે મતદાન પર થોડી અસરો થઈ હોય તેવું લાગી રહ્યું છે. તો બીજીતરફ સત્તા વિરોધી મત પણ ક્યાંકને ક્યાંક અસર કરતા હોય તેને કારણે પણ મતદાનમાં થોડો ઘટાડો થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ મનપાના 15 વોર્ડની વાત કરીએ તો, સૌથી વધુ વોર્ડ નં-1માં અંદાજીત 66 ટકા તેમજ સૌથી ઓછું વોર્ડ નં-11માં માત્ર 36 ટકા જેટલું મતદાન થયું છે. વોર્ડ નં-1માં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખરાખરીનો જંગ થયો છે. તે વોર્ડમાં 66 ટકા જેટલું ઊંચું મતદાન જોવા મળ્યું છે. વોર્ડ નં-8 માં પણ ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના કદાવર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હતા. વોર્ડ નં-4માં સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે, જેમાં પણ 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
ત્યારે સૌથી ચોંકાવનારા આંકડાઓ વોર્ડ નં-10 અને 11માંથી મળી રહ્યાં છે. જ્યાં અનુક્રમે 39 અને 36 ટકા જેટલું નીરસ મતદાન થયું છે. આ વોર્ડમાંથી જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને જૂનાગઢ મનપાના ડેપ્યૂટી મેયર ગીરીશ કોટેચાએ ચૂંટણી જંગમાં જંપલાવ્યુ હતું. આગામી 23 જુલાઈએ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ઇજનેરી કોલેજમાં 9 કલાકે તમામ 15 વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે જીતના પારખા થશે અને જૂનાગઢ મનપા પર કોનું શાસન સ્થપાશે તે સ્પષ્ટ થશે.