જૂનાગઢઃહાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર પંથકમાં કે, જ્યાં કેરીનું ઉત્પાદન ખૂબ મહત્વના કૃષિપાક તરીકે લેવાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સતત કમોસમી વરસાદ, દિવસ અને રાત્રિ દરમિયાન ભેજનું પ્રમાણ તેમ જ ગરમીમાં તોતિંગ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે આંબા જેવા પાકોમાં મધિયો અને ભૂકી છારાનો રોગચાળો આવી શકે છે. એટલે ખેડૂતોએ રોગ પર કાબૂ મેળવવા રાસાયણિક અને પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરવો જોઈએ તેવા સૂચનો કૃષિ સંશોધનકારો આપી રહ્યા છે.
આ પણ વાંચોઃUnseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેડૂતોએ સરકાર પાસે આર્થિક મદદ માગી
ભેજ અને કમોસમી વરસાદ રોગચાળાને લાવશેઃહાલ સૌરાષ્ટ્રમાં વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથેનો વરસાદ વરસી રહ્યો છે, જેને કેસર કેરી અને ખાસ કરીને આંબાને ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ઉનાળા દરમિયાન એક માત્ર કેરીનો પાક આ વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે આવા બદલાતા વાતાવરણના કારણે કેસર કેરીના ઉત્પાદનની સાથે હવે તેમાં મધિયો અને ભૂકીછારો નામનો રોગચાળો પણ નોતરી શકે છે. તેની સામે સાવચેત રહેવા અને સમયસર યોગ્ય પગલા લેવા કૃષિ સંશોધનકારો ખેડૂતોને જણાવી રહ્યા છે.
મધિયો અને ભૂકીછારો નામનો રોગઃકમોસમી વરસાદ અને માવઠાંની સ્થિતિમાં તેમ જ ભેજના પ્રમાણમાં અસામાન્ય વધારાના કારણે આંબાના પાકમાં મધિયો અને ભૂકીછારો નામનો રોગ આવે છે. ખેડૂતો આ ખૂબ જ સરળતાથી પારખી શકે છે. આંબાનું પાંદડું અડવાથી જો તેમાં સ્લેસ્મ જેવો પદાર્થ જોવા મળે અથવા તો આંબાનું પાંદડું ચીકણું પ્રવાહીયુક્ત જોવા મળે તો તે વિસ્તારમાં મધિયાનો રોગ આવ્યો છે તેવું ખેડૂતોએ માનવું જોઈએ.