ગીર ગાયનું નામ પડતા જ ગીર પંથક યાદ આવી જાય છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર પંથકમાં જોવા મળતી ગીર ગાયનું મહત્વ હવે પ્રાકૃતિક ખેતીની સાથે વિશ્વના લોકો પણ સમજતા થયા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બ્રાઝિલમાં રહીને દુધાળા પશુઓ પર સંશોધન કરતા ડૉ. જોશ અને ડૉ.ફર્નાન્ડોએ જૂનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગીર ગાયની સારસંભાળ અને તે સબંધી વિગતોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બ્રાઝિલમાં ગીર ગાયની સંતતિ અને ગાયના બ્રીડના વિસ્તૃત સંશોધન માટે ખૂબ જ મહત્વનો પુરવાર થશે.
ગીર ગાયના અભ્યાસ માટે બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો ગુજરાત આવ્યા - ગીર ગાય પર અભ્યાસ
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં જોવા મળતી ગીર ગાયની સંતતિ હવે દેશ અને દુનિયાના સીમાડાઓ વટાવે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. ગીર ગાયની સંતતિના વિસ્તૃત અહેવાલ અને પૃથ્થકરણ માટે બ્રાઝિલના ડૉ. રૂઝેલ જોશ અને ડૉ. ફર્નાન્ડોએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગીર ગાયની સંતતિના વિસ્તાર અને તેના વિસ્તરણ માટે અભ્યાસ કર્યો હતો.
આજથી 60 વર્ષ પહેલા ભાવનગરના રાજા પાસેથી ઉચ્ચ કોટિનો ગીર ધણખુટ બ્રાઝિલના દેશોમાં મોકલાયો હતો. ત્યારથી જ બ્રઝિલમાં ગીર ગાયનું મહત્વ જોવા મળે છે. આ જોતા એમ કહી શકાય કે, માત્રને માત્ર પશુપાલન અને દુધ ઉત્પાદન કરતી અર્થ વ્યવસ્થા સાથે સમગ્ર વિશ્વને જોડીને બ્રાઝિલે માત્ર પશુપાલનની દિશામાં ખૂબ જ વિકાસ કર્યો છે. ત્યારે હવે ગીર ગાયનું મહત્વ વધી રહ્યુ છે.
બ્રાઝિલના પશુ વૈજ્ઞાનિક ડૉ. રુઝેલ જોશે જણાવ્યું હતું કે, ગીર અને ખાસ કરીને ગીરગાય અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. એટલે જ અમે અહીં સુધી ખેંચાઈ આવ્યા છીએ. વર્ષો પહેલાના આ સંબંધો આજે જેટલા અગત્યના અને મહત્વના છે જે ભવિષ્યમાં વધુ સુદૃઢ બનીને ગીર ગાયની સંતતિ સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમને મદદરૂપ બનશે. ગીર ગાયને માતા અને બ્રાઝિલને ગીર ગાયના પિતા તરીકે સમગ્ર વિશ્વ માનતું થયુ છે જે અમારા માટે ગર્વની વાત છે. ગીર ગાયની જે સફર ભારતથી શરૂ થઈ હતી તે, હવે બ્રાઝિલ સુધી પહોંચી છે જેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમે અમારા અથાગ પ્રયત્નો કરીશું.