મેંદરડા તાલુકાનાં અણિયારા ગામનાં ત્રણ યુવાનોનું રવિવારે નોજણવાવ નજીક આવેલી સાબલી નદીમાં ન્હાવા જતાં મોત થયા છે. એક યુવાન ડુબતા તેને બચાવવા માટે બીજા બે જતા ત્રણેયના મોત થયા છે. તહેવારોના દિવસોમાં અણિયારા ગામમાં માતમ છવાય ગયું છે.
સાબલી નદીમાં ન્હાવા જતાં ત્રણ યુવાનાનાં મોત - -junagadh
જૂનાગઢ: મેંદરડા તાલુકાનાં અણિયારા ગામનાં બે સગા ભાઈઓ સહિત ત્રણનાં મોત થયા છે. સાબલી નદીમાં ન્હાવા જતાં એક યુવાન ડુબતા તેને બચાવવાં બીજા બે યુવાનો જતાં ત્રણેય મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે અણિયારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક ત્રણેય યુવાનો સાંજના પાંચ વાગ્યે તેના ધરેથી નિકળ્યા હતા. જે આઠ વાગ્યા સુધી ધરે પરત નહીં ફરતાં પરિવારનાં સભ્યોએ ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે સાબલી નદીનાં કિનારે ત્રણેય યુવાનોનાં કપડા જોઈ યુવાનો ન્હાવા ગયા હોય અને તેમની સાથે અઘટિત ઘટના ઘટી હોવાની શંકા થતાં પરિવારજનોએ જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહો નદીનાં પાણીમાંથી બહાર કાઢી મેંદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણ યુવાનો પૈકી તુષાર અને તરુણ બે સગા ભાઈ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને મેંદરડા પોલીસે અકસ્માતે ડૂબી જવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .