જૂનાગઢ: ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ વિરુદ્ધ જાતીય શોષણ અને દુરાચારના પ્રયાસને લઈને ભારતની ઓલમ્પિક મેડલ વિજેતા મહિલા પહેલવાનો પાછલા ઘણા સમયથી દિલ્હીમાં આંદોલન કરી રહી છે. કેન્દ્ર સરકાર આંદોલનને કચડવાના તેવા આક્ષેપ સાથે રેશમા પટેલની આગેવાનીમાં કાળા રૂમાલ વડાપ્રધાન મોદીને મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની સાથે આપ પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની અટકાયત કરી હતી.
કાળા રૂમાલ સાથેનો પત્ર: ભારતની મહિલા પહેલવાનોના સમર્થનમાં જૂનાગઢની મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખવાની સાથે તેમાં કાળો રૂમાલ મોકલવાનું અભિયાન શરૂ કર્યું છે. જે રીતે મહિલા પહેલવાનોના સમર્થનમાં આજથી અભિયાન શરૂ થયું છે તે દેશના પ્રત્યેક શહેરમાં શરૂ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદીને મહિલા પહેલવાનોની માંગ યોગ્ય છે તેનો સ્વીકાર કરીને કુસ્તી સંઘના અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે વાતનો ઉલ્લેખ કરાયો છે. સાથે સાથે તેમાં એક કાળો રૂમાલ કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને ભારતીય મહિલાઓના આત્મસન્માન નહીં જાળવવા માટે વડાપ્રધાન મોદીને ભેટના સ્વરૂપમાં મોકલવાનું નિર્ણય મહિલાઓએ કર્યો છે.
મહિલા પહેલવાનોના અવાજને કચડવાનો પ્રયાસ: આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે સમગ્ર અભિયાનને લઈને ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રીતે કેન્દ્રની સરકાર ઘમંડમાં નિર્ણયો કરી રહી છે. તેમાં હવે ભારતીય મહિલા પહેલવાનો પણ તેની નિષ્ફળતાનો ભોગ બની રહી છે. કુસ્તી સંઘના અધ્યક્ષ વિરુદ્ધ જે રીતે ખૂબ જ નિંદનીય કહી શકાય તે પ્રકારના આરોપ સાથે મહિલાઓ ધરણા કરી રહી છે. ત્યારે કેન્દ્રની સરકારે તાકીદે કુસ્તી સંઘના અધ્યક્ષની ધરપકડ કરવાની જગ્યા પર આંદોલન કરી રહેલી મહિલા પહેલવાનોને બુટ નીચે કચડવાનો પ્રયાસ કર્યો છે.