ગીર જંગલના સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જૂઓ અદ્ભૂત નજારો
કહેવત છે કે 'સિંહના ટોળા ના હોય' પરંતુ ગીરના જંગલ વિસ્તારમાં એક સાથે દસ કરતાં વધુ સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહનો એક આખો પરિવાર છે, જે જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા પાણીના કુંડમાં આકરી ગરમીથી છુટકારો મેળવવા પાણીના કુુંડ પાસે ટોળે વળ્યાં છે.
જૂનાગઢ: ગીરના જંગલ વિસ્તારમાં સિંહ પરિવારનો એક અદ્ભૂત કહી શકાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક સાથે દસ કરતાં વધુ સિંહો જોવા મળી રહ્યા છે. આ એક આંખો સિંહનો પરિવાર છે, જે આકરી ગરમીમાંથી મુક્તિ મેળવવા જંગલ વિસ્તારમાં બનાવવામાં આવેલા પાણીના કુંડમા પાણીની છોળો ઉડાડતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. સિંહોને લઈને એક કહેવત પણ ખૂબ જ પ્રચલિત છે કે, 'સિંહોના ટોળા ન હોય' આ કહેવત એક રીતે અહીં પણ સાચી કહી શકાય કેમ કે, વીડિયોમાં જોવા મળતા 10 કરતા વધુ સિંહો એ એક આખો પરિવાર છે. તેમાં નર સિંહની સંખ્યા એકથી વધારે જોવા મળતી નથી. અપવાદ રુપ કિસ્સામાં ક્યારેક બે સિંહ જોવા મળતા હોય છે.
આ વીડિયો ગીરના જંગલ વિસ્તારનો હોવાનું જણાઈ આવે છે. પરંતુ તે કયા ચોક્કસ વિસ્તારનો છે અને કેટલા સમય જૂનો છે, તેને લઈને કોઈ પણ અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ હા જંગલના રાજા સિંહને તેના સહ પરિવાર સાથે જોવાનો આહલાદક લ્હાવો પણ અલગ હોય છે. તેમજ આ વીડિયો આ જ પ્રકારનો નયનરમ્ય લ્હાવો આપી રહ્યો છે.