જૂનાગઢ : શહેરમાં પ્રાચીનકાળથી જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાતો આવે છે. આ મેળામાં વર્ષો વર્ષ લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે મેળાના પાંચ દિવસ દરમિયાન અંદાજીત 10 લાખ કરતા વધુ યાત્રિકો મેળામાં જોવા મળ્યા હતા, ત્યારે આ મેળાનું આયોજન ખૂબ જ નજીકના દિવસોમાં થવા જઈ રહ્યું છે, પરંતુ ભવનાથ વિસ્તારમાં કે જ્યાં મેળાનું આયોજન થાય છે તે વિસ્તારમાં કેટલાક દબાણો અને અસુવિધાઓ જોવા મળી રહી છે જેને દુર કરવા માટે સામાજિક સંસ્થાઓએ માગ કરી છે.
શિવરાત્રિ મેળાને પગલે સામાજિક સંસ્થાએ વ્યવસ્થાઓને લઈ તંત્રનું ધ્યાન દોર્યુ ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં નોમથી લઈને શિવરાત્રી સુધીના પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો મેળામાં આવતા હોય છે. આ મેળાનું આયોજન ભવનાથ મંદિર અને તેની આસપાસના ખુલ્લા વિસ્તારમાં થતું હોય છે. ખૂબ જ મર્યાદિત જગ્યા અને લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની સુવિધાને લઈને અનેક આયોજનો કરવા પડે છે, પરંતુ હાલ ભવનાથ મંદિર પરિસર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેને લઇને અનેક સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. આ વિસ્તારમાં નાગા સાધુઓના અખાડાઓ અને મેળામાં આવતા લાખો યાત્રિકો માટે આશ્રયસ્થાન બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હોવાથી અહીં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.તો બીજી તરફ ભવનાથ વિસ્તારને થોડેક દૂર જિલ્લા પંચાયતની માલિકીનુ ખૂબ મોટું અને વિશાળ મેદાન આવેલું છે. દર વર્ષે આ મેદાનમાં હજારોની સંખ્યામાં યાત્રિકો જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે અહીં રોપવેનો કેટલોક સામાન અને કેટલાક લોકો દ્વારા અનઅધિકૃત રીતે કરવામાં આવેલું દબાણ જગ્યાની અછત ઊભી કરી રહ્યું છે. જો સમય રહેતા ભૂગર્ભ ગટરનું કામ અને મેદાનમાં કરવામાં આવેલું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં નહીં આવે તો આ વખતે શિવરાત્રિના મેળામાં જગ્યા અને સુવિધાને લઈને અનેક સમસ્યાઓ ઉભી કરી શકે તેમ છે. જેને લઇને જૂનાગઢની સામાજિક સંસ્થાઓએ આ સમસ્યા પ્રત્યે તંત્ર ધ્યાન આપે અને તેનો તાકિદે ઉકેલ લાવે તેવી માગ કરી છે.