જુનાગઢ :સોરઠ વિસ્તારમાં પાછલા દોઢ મહિના દરમિયાન અતિ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં મોટે ભાગે લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં ૧૨૫ ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં જગતના તાતની ખેતી ચોમાસુ સંકટમાં ફસાયેલી જોવા મળે છે. જેમાંથી ઉગારવા માટે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોડીનારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જેમાં ખેડૂતોની મુશ્કેલીમાં સરકાર સહાય કરે તેમજ જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સરકાર જાહેર કરે તે માટે પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે.
આશ્ચર્યજનક કિસ્સો : સોરઠ પંથકમાં જરૂર કરતાં વધુ વરસાદ એક મહિના દરમિયાન નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ ચોમાસાના બે મહિના બાકી છે. જિલ્લાના સરેરાશ વરસાદ કરતા પણ 30% વરસાદ વધુ જોઈ ચૂકેલા જિલ્લાના ખેડૂતો માટે હવે તો વરસાદ આફત રૂપ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લામાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, મગ, તલ, શેરડી સહિત અનેક ચોમાસું પાકોને વરસાદી પાણી નુકસાન કરી રહ્યું છે. જેના તરફ રાજ્ય સરકારનું ધ્યાન પહોંચાડવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂતોને પડતી મુશ્કેલીના સવાલને લઈને એક સાથે આવ્યા છે. અગાઉ ધારાસભ્યો રજૂઆત કરતા હતા પરંતુ એક સાથે રજૂઆત થઈ હોય તેવા કિસ્સા ભાગ્ય જોવા મળતા હતા.