જૂનાગઢઃ માંગરોળ વિસ્તારના 5 ઈસમો 100 જેટલી ઘાતક તલવાર સાથે ઝડપાઇ ગયા હતા. આ આરોપીઓએ શું ઈરાદા સાથે આટલી મોટી સંખ્યામાં ઘાતક હથિયારો મંગાવ્યા હતા, તેને લઈને જૂનાગઢ પોલીસ વધુ તપાસ કરી રહીં છે. ઝડપાયેલા 5 આરોપીઓ મૂળ માંગરોળના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, 5 ઈસમો ઘાતક હથિયારો સાથે ઝડપાયા
જૂનાગઢ પોલીસને શનિવારના રોજ એક મોટી સફળતા મળી છે, મળેલી બાતમીને આધારે માંગરોળ વિસ્તારમાંથી 5 જેટલા ઈસમો 100 જેટલી તલવારોના જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. આ ઈસમોએ 100 જેટલી તલવારો શા માટે મંગાવી હતી તને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાનું માંગરોળ સંવેદનશીલ વિસ્તાર હોવાનું પણ અવાર-નવાર બહાર આવ્યું છે, ત્યારે આ પ્રકારનો જથ્થો માંગરોળમાંથી ઝડપાતા અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યાં છે.
ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસને મળેલી વિગતો અનુસાર, આરોપીઓ અંજારના એક વ્યક્તિ પાસેથી તલવારનો જથ્થો ખરીદ્યો હતો. આ જથ્થો કટલેરીના માલની વચ્ચે લાવવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ઘાતક હથિયારો પોલીસની નજરમાં ન ચડે એ માટે આરોપીઓએ કટલેરીના જથ્થામાં તલવારની ડિલિવરી માંગરોળ સુધી કરી હતી, પરંતુ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે હથીયારનો જથ્થો ઝડપાય જતાં મોટા ષડયંત્રને અંજામ આપ્યા અગાઉ જૂનાગઢ અને માંગરોળ પોલીસને મોટી સફળતા મળી છે.