જૂનાગઢ : ગિરનાર પર સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલત ખૂબ જ આકરૂ વલણ દર્શાવી રહી છે. જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા વડી અદાલતે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વન વિભાગ અને કોર્પોરેશનને નોટિસ પાઠવીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું થાય તે માટે કામ કરવા હુકમ કર્યો છે. જેને લઈને આજે ગિરનાર પર્વત પર રોજગારી મેળવતા નાના વેપારીઓને પાણીના પ્લાસ્ટિકના મોટા કેરબા વિનામૂલ્ય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા કલેકટર ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગના અધિકારીઓએ હાજર રહીને ગિરનાર પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ બંધ કરી શકાય તે માટે ઉપસ્થિત સૌ નાના વેપારીઓને માર્ગદર્શનની સાથે સાધન સહાય વિતરણ કરી હતી.
લીલી પરિક્રમામાં પણ પ્રતિબંધ : જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર ગિરનાર અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાને લઈને કામગીરી શરૂ કરી છે. તે મુજબ આવતા વર્ષે આયોજિત થનારી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પણ પ્લાસ્ટિકની બોટલ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણ પણે પ્રતિબંધિત થશે. તે અંગેની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.