આરોગ્ય જાળવણીમાં ઉપયોગી જાડું ધાન્ય જૂનાગઢ : વર્ષ 2023 ને મિલેટ વર્ષ એટલે કે જાડા ધાન્યોના વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢની મહિલાઓ માટે ખાસ જાડા ધાન્યોમાંથી બનાવવામાં આવેલી વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 30 જેટલી બહેનોએ બાજરી જુવાર કાંગ રાગી સહિત નવ જેટલા ધાન્યોમાંથી ચટાકેદાર વાનગીઓ બનાવી હતી. જેને જોઈને નિર્ણાયકોનો પણ પરસેવો છૂટી ગયો હતો.
જાડા ધાન્યોમાંથી બનેલી વાનગીઓ : બાજરી રાગી કાંગ જુવાર મકાઈ સહિત જાડા ધાન્યોને પ્રોત્સાહન મળે, લોકો દૈનિક જીવનમાં જાડા ધાન્યોનો આહાર તરીકે સમાવેશ કરે તેને ખાસ ધ્યાન રાખીને વર્ષ 2023 ને જાડા ધાન્યના વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભૂતનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલમાં જાડા ધાન્યોમાંથી બનાવેલી વિવિધ વાનગીની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
બહેનોએ વાનગીની સ્પર્ધામાં ભાગ લીધો : જૂનાગઢની 30 કરતાં વધુ બહેનોએ બાજરી રાગી કાગ જુવાર મકાઈ સહિત અન્ય જાડા ધાન્યોમાંથી વિવિધ વાનગીઓ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહિલાઓની રસોઈ કુશળતા તેમજ જાડા ધાન્યો માંથી બનેલી વાનગીઓનો સ્વાદ ચાખીને નિર્ણાયકોના મોઢામાં પાણી આવી ગયું હતું. તો બીજી તરફ કઈ વાનગી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કપાળે પરસેવો પણ છૂટી ગયો હતો.
ઘઉં, મેંદો અને ચણાના વિકલ્પ તરીકે જાડા ધાન્યો :વર્તમાન સમયમાં આધુનિક જીવન પદ્ધતિને કારણે મોટાભાગના ઘરોમાં બાજરી કાંગ જુવાર મકાઈ રાગી જેવા ઉપયોગી અને આયુર્વેદ તેમજ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના જાડા ધાન્યો દૂર થયા છે. તેનું સ્થાન ઘઉ મેંદો અને ચણાના લોટે લીધું છે જેને કારણે લોકોની આરોગ્ય ક્ષમતા પર વિપરીત અસરો પણ જોવા મળી છે. જાડા ધાન્યો શરીરને પોષક તત્વો પૂરા પાડવાની સાથે તે સ્વાદમાં પણ સર્વોત્તમ હોય છે .પરંતુ આધુનિક સમયમાં લોકો ઉપયોગી એવું જાડું ધાન્ય છોડીને નુકસાનકારક એવા મેંદા ઘઉ ચોખા સહિત અન્ય અનાજ તરફ આગળ વધ્યા છે. ત્યારે ફરીથી લોકો શરીર માટે ઉપયોગી એવું જાડું ધાન્ય આરોગતા થાય અને પ્રત્યેક ઘરમાં બાજરી જુવાર કાંગ રાગી અને મકાઈનું સ્થાન પ્રસ્થાપિત થાય તે માટે વર્ષ 2023 ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
મહિલાઓનો પ્રતિભાવ : વાનગી સ્પર્ધામાં સામેલ મહિલાઓનો પ્રતિભાવ ખાસ જાડા ધાન્યોની સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી 30 જેટલી બહેનોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાનગી સ્પર્ધામાં સામેલ મહિલાઓનો પ્રતિભાવ સામે આવ્યો હતો.
આજની વાનગી સ્પર્ધામાં બાજરી કાંગ રાગી જુવાર અને મકાઈનો ઉપયોગ કરીને પીઝા ઢોસા મંચુરિયન અને મોડર્ન રેસીપી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જે જોતા તે મેંદો ઘઉં ચોખા કે ચણામાંથી બનેલી હોય તેવું લાગે, પરંતુ તેનો સ્વાદ ચણા મેંદો ચોખા અને ઘઉંમાંથી બનેલી વાનગી કરતા ખૂબ જ સારો છે. આ સ્પર્ધામાં નવથી દસ જાતના જાડા ધાન્યનો ઉપયોગ કરીને પાંચ જાતની અલગ અલગ વાનગીઓ બનાવીને ભાગ લીધો હતો. વાનગી ચાખીને નિર્ણાયકો પણ મોઢામાં આંગળા નાખતાં થઈ ગયા હતાં... સંગીતાબેન પરમાર ( સ્પર્ધક )
જાડા ધાન્યો ફેટ અને ગ્લુટન ફ્રી :બાજરી રાગી કાંગ જુવાર સહિત અન્ય જાડા ધાન્યો ચરબી અને ગ્લુટન ફ્રી હોવાનું પણ આયુર્વેદની દ્રષ્ટિએ માનવામાં આવે છે. તો બીજી તરફ ઘઉ મેંદો ચોખા અને ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ ચરબીની સાથે ગ્લુટનનું પ્રમાણ પણ વધારે હોય છે. જેને કારણે લોકોને કેટલીક આરોગ્ય સંબંધી બીમારીઓ થઈ શકે છે. જાડા ધાન્યોમાંથી બનેલી વાનગીઓ ચરબી મુક્ત હોવાને કારણે તે કોઈપણ વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. વધુમાં જાડા ધાન્યોમાં ગ્લુટન જોવા મળતું નથી જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આવકારદાયક માનવામાં આવે છે. જે દર્દીઓ ઘઉં ચોખા મેંદા કે ચણાની બનાવટ નથી ખાઈ શકતા તેવા તમામ દર્દીઓ જાડા ધાન્યોમાંથી બનેલી વાનગી કે ખોરાક બિલકુલ સહજતાથી ગ્રહણ કરી શકે છે જેથી પણ જાડા ધાન્યનું મહત્વ ખૂબ વધી જાય છે.
- Junagadh News: બાજરા સહિત જાડા ધાન્યોની વપરાશ ઘટી, વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળ્યો ઘટાડો
- Surat News: સુરત મનપા દ્વારા યોજાયો ફૂડ ફેસ્ટિવલ, મિલેટ્સની ફૂડ આઈટમ્સ બની હોટ ફેવરિટ