વિદેશી કેરીની સફળતાપૂર્વક ખેતી જૂનાગઢ : જૂનાગઢ નજીક આવેલું રતાંગ ગામ દેશ અને વિદેશની કેરીઓનું મુકામ બનવા જઈ રહ્યું છે. પ્રગતિશીલ ખેડૂત પિતાપુત્રની જોડીએ રતાંગ ગામમાં 50 કરતાં વધુ જાતોની દેશી અને વિદેશી કેરીની સફળતાપૂર્વક ખેતી કરી છે. આગામી દિવસોમાં સૌથી મોંઘી કેરીની ખેતી કરવા માટે પણ આ ખેડૂત આગળ વધી રહ્યાં છે.
દેશીવિદેશી કેરીનું આંગણું બનશે રતાંગ : જૂનાગઢના રતાંગ ગામના પિતાપુત્ર સંજયભાઈ અને સુમિત વેકરિયાની ખેડૂત જોડીએ દેશીવિદેશી જાતની 50 કરતાં વધુ આંબાની કલમોનું વાવેતર કર્યું છે. જેમાં કેસર કેરીની સાથે ભારતના અન્ય રાજ્યો અને વિદેશોમાં થતી કેરીનું વાવેતર કરીને કેસર કેરીના પંથક તરીકે ઓળખાતા ગીરમાં હવે સમગ્ર ભારત વર્ષની અને વિશ્વભરની કેરીઓ પાકે તેવું આયોજન કર્યું છે.
અમારા બગીચામાં 78 કરતાં વધુ કેરીની દેશી અને વિદેશી જાતોના આંબા આજે પણ જોવા મળે છે. જેમાં 10થી 15 કેરીની જાતો અજમાયશી ધોરણે વાવવામાં આવી છે. જેમાં વિશ્વની મોંઘી કેરી મિયાઝાકી કે જેનો પ્રતિ કિલો બજાર ભાવ આજે 2.5 લાખ રૂપિયા જોવા મળે છે તેનું પણ વાવેતર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગીરનું વાતાવરણ મિયાઝાકી આંબાને અનુકૂળ આવે તેવો પ્રયત્ન છે અને હકારાત્મક દિશામાં આગળ વધીશું... સંજય વેકરિયા (ખેડૂત)
મિયાઝાકીનું વાવેતર મુશ્કેલ :રતાંગ ગામની પોતાની આંબાવાડીમાં સંજયભાઈ અને સુમિત વેકરિયાએ વિશ્વની સૌથી મોંઘી જાપાનની મિયાઝાકી અને અમેરિકાની ટોમી એટકીન્સની સાથે બ્લેકસ્ટોન નામની વિદેશી કેરીના વાવેતરને લઈને પણ હવે પ્રયોગો શરૂ કર્યા છે. જાપાનની સૌથી મોંઘી મિયાઝાકી કેરીનું વાવેતર ભારત જેવા ગરમ પ્રદેશમાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. તેનું પણ વાવેતર કરવાની દિશામાં આ ખેડૂત જોડીએ પહેલ કરી છે. સ્વાદ પણ મહત્વનો જયારે કેરીની વાત હોય તો સ્વાદની વાત પણ લોકો જાણવા માગે છે.
કઇ કઇ કેરી જોવા મળશે :સુમિત બાગ અને નર્સરીમાં કેપ્ટન, ફઝલી, આમ્રપાલી, કાળો આફૂસ, સિંધુ, સરદાર, જમાદાર, શ્રાવણીયો, વનલક્ષ્મી, વસ્તારા બેગમપલી જેવી 50 કરતાં વધુ દેશી જાતોની કેરીંનુ સફળતાપૂર્વક વાવેતર થયું છે. જેમાં આ વર્ષે ફળ પણ લાગેલા જોવા મળે છે વિદેશની કેરીઓને અહીંનું વાતાવરણ અનુકૂળ આવી જાય તો તેઓ આગામી દિવસોમાં રતાંગ ગામમાં બ્લેકસ્ટોન નામની વિદેશી કેરી કે જેને નવી વેરાઈટી તરીકે પણ વિશ્વમાં ઓળખવામાં આવે છે, તેનું વાવેતર કરવાની દિશામાં પણ પહેલ કરવાનો વિચાર સંજયભાઈ અને સુમિત વેકરિયા કરી રહ્યા છે. આ તમામ કેરીઓ સ્વાદ રંગ અને તેના કદને આધારે અલગ તરી આવે છે જેથી તેની અલગ રીતે ઓળખ પણ થાય છે.
કેરીના પાકમાં નવા સંશોધન કરીને લોકોના ટેસ્ટ સતત બદલાતાં જોવા મળે છે ત્યારે આ પ્રકારનું સંશોધન કરી શકાય છે. સ્વાદપ્રિય ગુજરાતની જનતાને વર્ષમાં એક વખત ગુજરાતની સાથે ભારત અને વિદેશમાં થતી કેરીનો સ્વાદ માણવા મળે તે માટે આ પ્રકારનું આયોજન કર્યું છે...સુમિત વેકરીયા (ખેડૂત)
મોંઘીદાટ કેરીઓ ઘરઆંગણે મળશે : દેશી અને વિદેશી જાતના આંબાનું વાવેતર કરવાને લઈને આ ખેડૂત પિતાપુત્રનું માનવું છે કે વર્તમાન સમયમાં લોકોના ટેસ્ટ સતત બદલાતા જોવા મળે છે. ત્યારે લોકો નવા પ્રકારની કેરી ખાવાનું પસંદ કરશે. વધુમાં કેરીમાં પણ આ પ્રકારનું સંશોધન કરી શકાય છે તેની સફળતા મળે તો અન્યો પણ આવા પાક લેવા પ્રેરાઇ શકે છે. રતાંગ ગામની ધરતીમાં વિદેશમાં પાકતી મોંઘીદાટ કેરીઓ આંબે ઝૂલે તે દિવસો જોવા કેરીના સ્વાદરસિયાઓ વાટ જોશે એ નક્કી.
- Miyazaki mango: ભારતની સૌથી મોંધી કેરી, સુરક્ષા માટે ખર્ચાય છે 50 હજાર રૂપિયા, 9 કુતરા અને 6 ગાર્ડ
- Mango Cultivation in Bhalchhel : પ્રગતિશીલ ખેડૂતે કેરીની ખેતીમાં અપનાવ્યો આંતરરાષ્ટ્રીય માર્ગ, દેશીવિદેશી આંબાનું કર્યું વાવેતર
- લો બોલો, Z પ્લસ હોવા સુરક્ષા છતાં પણ લાખોમાં વેચાતી કેરીની થઈ ચોરી, જાણો પછી શું થયું