એક તરફ ભાજપ સામે જૂનાગઢ મનપામાં સત્તા બરકરાર રાખવા માટેની આકરી કસોટી હશે તો, સામા પક્ષે કોંગ્રેસ ભાજપ પાસેથી જૂનાગઢ મનપા પર સત્તા મેળવવા પ્રયાસ કરશે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાની લડાઈમાં સામસામે આવી ગયા છે. જેનું પરિણામ આગામી 23મી તારીખે જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે, ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ થયું કે, કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા મેળવી લેવામાં નસીબવંતી સાબિત થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2002માં જૂનાગઢને નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને 2002થી 2004 સુધી કમિશ્નર રાજની સ્થાપના કરી હતી. વર્ષ 2004માં પ્રથમ વખત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ પ્રથમ વખત બનેલા જૂનાગઢ મહાનગરપાલિકા પર કબજો મેળવવા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, પરંતુ ભાજપની નીતિ અને રણનીતિના પરિણામે જે તે સમયે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને જુનાગઢના પ્રથમ મેયર તરીકે નેતૃત્વ જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો.