જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સંચાલિત શામળદાસ ગાંધી ટાઉનહોલ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શામળદાસ ગાંધી ટાઉનહોલનું જ્યારથી નિર્માણ કરાયું છે ત્યારથી તે એક યા બીજા કારણોસર વિવાદનું કારણ બનતો આવ્યો છે. આ વખતે ટાઉનહોલ ચર્ચાનું કેન્દ્ર બનવા પાછળ તેનું રીનોવેશન અને તેમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો સમાયેલો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ભ્રષ્ટાચારને લઈ ફરી વિવાદમાં ખુદ ભાજપના નગરસેવક અને જૂનાગઢના પીઢ નેતા સંજય કોરડીયાએ જૂનાગઢ મનપા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાંય અધિકારીઓ અને કેટલાક નેતાઓની રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચાર થયો હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. જૂનાગઢ મનપા ભાજપ શાષિત છે ત્યારે ખુદ ભાજપની જ પેનલમાંથી સત્તા સામે પ્રશ્નો ઉભા કરાયાં છે.
વિકાસની બુમરેંગ કરતું ભાજપ કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતું આવ્યું છે. ત્યારે ભાજપમાં પણ ભ્રષ્ટાચારને લઈને પક્ષના જ સભ્ય સામે આવી ગયાની ઘટના સામે આવી છે. વિકાસ અને ભ્રષ્ટાચાર સાથે ન ચાલી શકે તેવી વાતો કરતાં પક્ષ માટે આ મુદ્દે જવાબ આપવા મુશ્કેલ બન્યા છે. ભાજપના જ સિનિયર કોર્પોરેટર અને નેતાએ આ આક્ષેપ કરતાં જિલ્લાના પદાધિકારીઓ સામે મુશ્કેલીઓ ઉભી થાય તેવી શક્યતાઓ છે.
ભાજપના કોર્પોરેટરે આ મુદ્દો સામે લાવતા કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ પણ સંજય કોરડિયાના આક્ષેપોનું સમર્થન આપીને ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની વાતનું રટણ કર્યું હતું. તેમણે આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો પરંતુ, સત્તા સ્થાને ભાજપ હોવાના કારણે તપાસ કરવામાં આવતી ન હતી. ત્યારે આ મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા પણ કરાઈ છે.