રાજ્યના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસ દ્વારા રાજ્યના પૂર્વ ધારાસભ્યોને નિભાવ ભથ્થું એટલે કે પેન્શન આપવામાં આવે તેવી ચળવળની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પૂર્વ ધારાસભ્યો જોડાઇ રહ્યા છે. આજે જૂનાગઢના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યએ પણ તેમનુ સમર્થન જાહેર કર્યું હતું. જયનારાયણ વ્યાસની ચળવળને સમર્થન આપતાં બંને ધારાસભ્યો જણાવી રહ્યા છે કે, કેટલાક ધારાસભ્યો હાલ કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તેમની કપરી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને સરકાર દ્વારા તાકીદે આ યોજના લાગુ કરે તેવી માંગ કરી હતી.
જયનારાયણ વ્યાસની ચળવળને જૂનાગઢના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યનું સમર્થન - latestgujaratinews
જૂનાગઢ: રાજ્યના પૂર્વ પ્રધાન, પૂર્વ ધારાસભ્ય અને સિદ્ધપુર ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ દ્વારા પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની જે ચળવળ શરૂ કરવામાં આવી છે. તેને જૂનાગઢના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય તેમનું સમર્થન જાહેર કર્યું હતું.
હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને નિભાવ ભથ્થુ એટલે કે પેન્શન આપવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હશે કે, જ્યાં પૂર્વ ધારાસભ્યોને નિભાવ ભથ્થું એટલે કે પેન્શન આપવામાં આવતું નથી. ગુજરાતના કેટલાક પૂર્વ ધારાસભ્યો આજે ખૂબ જ કપરી અને આર્થિક સંકળામણ ભરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, વર્ષો પહેલા ધારાસભ્યને માત્ર પાંચસો કે 700 રૂપિયા જ માનદ વેતન આપવામાં આવતુ હતું.
આજની સરખામણીએ ધારાસભ્યોના પગાર 1 લાખ કરતાં પણ વધુ છે, ત્યારે આવા પૂર્વ ધારાસભ્યોની માંગ પણ કંઈક અંશે વ્યાજબી જણાઈ આવે છે. આ માટે જે રીતે પૂર્વ સાંસદોને પેન્શન આપવામાં આવે છે. તેવી જ રીતે રાજ્યના પૂર્વ ધારાસભ્યોને પણ પેન્શન આપવામાં આવે તેવી માંગ જૂનાગઢના પૂર્વ ધારાસભ્યો કરી રહ્યા છે.