જૂનાગઢ: કેટલીક ભાષાઓને બચાવવા અને તેને લુપ્તપ્રાય બનતી અટકાવવા માટે વર્ષ 2000 ની 21મી ફેબ્રુઆરીના દિવસે યુનેસ્કો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના આયોજનના દિવસથી 21મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. હાલના દિવસોમાં માતૃભાષાને લઈને લોકોમાં નોંધપાત્ર જાગૃતતા આવી છે.
વિશ્વમાં 7 હજારથી વધુ ભાષા:આજે સમગ્ર વિશ્વમાં 7 હજાર કરતા પણ વધુ ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગની ભાષાઓ આજે લુપ્તપ્રાય થવાની કગારે પહોંચી ગઈ છે. લુપ્ત થઇ રહેલી ભાષાઓને બચાવવા માટે માતૃભાષા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. માતૃભાષા બચાવો રેલીથી લઈને માતૃભાષામાં સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લુપ્તપ્રાય ભાષાઓને કઈ રીતે ફરીથી સમાજ જીવનમાં લાવી શકાય તે માટે વિવિધ ભાષાઓના સમર્થ અધ્યાપકો અને સાહિત્યકારો દ્વારા મનોમંથન કરાશે.
ગુજરાતી ભાષાના રત્નો: ગુજરાતી ભાષાએ રાષ્ટ્રને અનેક સમર્થ કવિઓ સાહિત્યકારો અને મહાનુભાવો આપ્યા છે. પાનબાઈ, ગંગાસતી, નરસિંહ મેહતા, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક ખ્યાતનામ સાહિત્યકારો અને કવિઓ આપ્યા છે. વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષા પાછળ આંધળું અનુકરણ થઇ રહ્યું છે જે માતૃભાષા માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે. અંગ્રેજી ભાષા તરીકે સ્વીકૃત છે પરંતી અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપણી પોતીકી ગુજરાતી ભાષાની હત્યા સમાન માનવામાં આવે છે.