જૂનાગઢઃ સમગ્ર દેશ 71મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અને ગુજરાતના એકમાત્ર ભારતમાતા મંદિરમાં આજે પ્રજાસત્તાક દિવસને લઇને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાતા મંદિર પર વહેલી સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ ભારત માતાની વિશેષ આરતી કરીને ધાર્મિકતાની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના એકમાત્ર ભારતમાતાના મંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ - junagadh news
આજે રાષ્ટ્રના 71માં પ્રજાસત્તાક દિવસની જૂનાગઢના ભારતમાતા મંદિરમાં ઉજવણી કરવામાં આવી. ભારતમાતા મંદિર પર આજે સવારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો તેમજ આજના દિવસે ભારત માતાની વિશેષ આરતી કરીને ત્રિરંગાને શણગાર પણ કરાયો હતો.
જૂનાગઢમાં આવેલું ભારત માતાનું મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું બહુમાન પણ ધરાવે છે, ગુજરાત સિવાય રાષ્ટ્રના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અને ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારત માતાનું મંદિર આવેલું છે, ત્યારબાદ ગુજરાતના જૂનાગઢમાં આ પ્રકારના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. દેશના નાગરિકો અને લોકોને રાષ્ટ્રપ્રત્યે સદભાવના રહે અને ભારત માતા પ્રત્યે તેમનો આદર જળવાઈ રહે તેવા હેતુ સાથે આજથી બે વર્ષ પૂર્વે જૂનાગઢ રાજકોટ રોડ પર ભારતમાતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભારતમાતા મંદિરમાં આજે વહેલી સવારથી જ રાષ્ટ્રપ્રેમી લોકોએ ભારત માતાના દર્શન કરીને રાષ્ટ્રના 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.