જૂનાગઢ: પવિત્ર શ્રાદ્ધ પક્ષના પ્રારંભે જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ સમીપે શ્રદ્ધાળુઓએ પોતાના પિતૃઓની તર્પણ વિધિમાં ભાગ લીધો હતો. આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં શ્રાદ્ધ પક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવાથી તેમના આત્માની મુક્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આથી પ્રથમ દિવસે દામોદર કુંડમાં પિતૃતર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
પવિત્ર શ્રાદ્ધ પક્ષના પ્રારંભે દામોદર કુંડ ખાતે ભાવિકોએ કર્યું પિતૃઓનું તર્પણ
બુધવારથી પવિત્ર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થતા એકમના શ્રાદ્ધ નિમિત્તે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ પોતાના પિતૃઓનું તર્પણ કરી આસ્થાની ડૂબકી લગાવી હતી.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ માટે પવિત્ર ઘાટ અને નદીઓના સ્થળોને અતિ ઉત્તમ માનવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલા દામોદર કુંડમાં ભગવાન શ્રીકૃષ્ણની પણ શ્રાદ્ધવિધિ કરવામાં આવી હતી તેમજ આ જ સ્થળે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, દામોદર કુંડના જ ઘાટ પર ભક્ત કવિ નરસિંહ મહેતાએ તેમના પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું હોવાના ધાર્મિક પુરાવાઓ આજે પણ જોવા મળી રહ્યા છે જેને લઇને દામોદર કુંડ ખાતે કરવામાં આવેલા પિતૃ તર્પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી લાખોની સંખ્યામાં ભાવિકો અહીં પોતાના પિતૃઓના તર્પણ માટે આવતા હોય છે.