જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને હવે પ્રદેશ કોંગ્રેસની સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો પૈકી ડૉક્ટર હેમાંગ વસાવડા, બ્રિજેશ મેરજા, એસ. કે. સેલત સહિતના નિરીક્ષકો આજે જૂનાગઢ ખાતે આવ્યા હતા અને મનપામાં સમાવેશ 15 જેટલા વોર્ડના ચૂંટણી લડવા માગતા કાર્યકરોને રૂબરૂ સાંભળીને તેનો રિપોર્ટ તૈયાર કરશે જેના આધારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
જૂનાગઢ મનપાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે લીધી સેન્સ - S.K.SELAT
જૂનાગઢઃ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ એક્શન મૂડમાં જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા 4 નિરીક્ષકો આજે જૂનાગઢ આવ્યા હતા. તેમજ તબક્કાવાર 15 જેટલા વોર્ડમાં ચૂંટણી લડવા માગતા મુરતિયાઓની સેન્સ લેવામાં આવી હતી. જેને આધારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ભાજપ હોય કે કોંગ્રેસ જૂનાગઢ મનપામાં બે જુથ કાયમ માટે સક્રિય જોવા મળ્યા છે. જે પૈકી કોંગ્રેસમાં પણ બે જૂથ સામસામે છે. આ બંને જૂથોનું સમાધાન કરાવી અને સર્વ સ્વીકૃત ઉમેદવારની પસંદગી કરવી કોંગ્રેસ માટે પણ થોડી મુશ્કેલીની વાત છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંને જૂથના નેતાઓને સમજાવીને જૂનાગઢ મહાનગરપાલિકા પર કોંગ્રેસનું શાસન કાયમ થાય તેના માટેના પ્રયાસો કરવાનું સમજાવવામાં આવતા હાલ કોંગ્રેસના બંને જૂથો કોંગ્રેસને જીતાડવાનું કામ કરશે તેવું નિરીક્ષક બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ કાયમ માટે કોંગ્રેસમાં વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને કારમી પછડાટ મળશે અને ભાજપ દ્વારા જે અપ પ્રચાર ચલાવવામાં આવી રહ્યો છે તેને જૂનાગઢના લોકો જાકારો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.