ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કેશોદ શહેરના અનેક વિસ્તારોનાં નદી નાળા અને તળાવમાં ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે ત્યારે, તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અર્થે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આક્રોશ ઠાલવાતાં જણાવે છે કે,"આ પહેલાં પણ પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીને લઇને બેદરકારી દાખવી હતી ત્યારે, કેશોદ શહેરીજનોને જાતે જ સર્કીટ હાઉસ પાછળ રેલ્વેનાં પુલ પાસે તળાવ બનાવવાની ફરજ પડી હતી. થોડા સમય પછી તંત્ર દ્વારા એ તળાવની દિવાલને તોડી નાખવામાં આવી હતી. વળી, નગરપાલિકા આ તળાવને ઉંડુ કરવાને બદલે માટી નાંખી પૂરી દેવાનો પ્રયાસ કરી કરી રહી છે.
કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ - sanjay vyas
જુનાગઢઃ જિલ્લાના કેશોદમાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે પાલિકા પર પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરતી હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. આ ઉપરાંત કેશોદના તળાવો અને રસ્તાઓ ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે તંત્ર આવનારી સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું પણ રહીશો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે.
હાલ, આ તળાવ કચરાથી ખદબદી રહ્યું છે ત્યારે, તંત્ર બેજવાબદારી ભર્યુ વલણ દાખવી રહ્યું છે. કેશોદના નિલકંઠ મહાદેવ મંદિર નજીક શહીદ હરેન્દ્રગીરી સમાધિના સ્થળ, સ્મશાન રોડ ,ટીલોળી નદી કાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે, કેશોદનું લબાડ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી છે. એટલે નગરપાલિકા પ્રિમોનસૂનની ગ્રાન્ટનો ઉધારી કામગીરી ન કરી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે.
આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી પાલિકા પર આક્ષેપ કરતા જણાવે છે કે, નદીઓમાં ગંદકીની સફાઈ કરવામાં આવતી ન હોવાથી રોગચાળો ફેલાઇ રહ્યો છે. તો ચોમાસું પણ નજીક છે. માટે નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રિમોનસુનની કામગીરી હાથ ધરવામાં આવે અને નદી-નાળાની સફાઈ કરવાની વિનંતી કરું છું. આગળ વાત કરતા સમીર પાંચાણીએ કહ્યું કે, કેશોદના શહેરી વિસ્તારમાં આઠ મહિનાથી રોડનાં કામોની ગ્રાન્ટ લેવામાં આવી હતી. ટેન્ડરના ભાવ આપી ટેન્ડરો પણ મંજૂર કરવામાં આવ્યા છે છતાં ,આજ સુધી રોડનાં કામો શરૂ કરવામાં આવ્યાં નથી. શહેરભરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં પચાસ જેટલાં રોડ પરથી શહેરીજનોને ચોમાસામાં પસાર થવું અઘરું થઇ પડે છે. માટે સ્થાનિકોની સમસ્યાને ધ્યાનમાં લઇને વહેલામાં વહેલી તકે પ્રિમોન્સૂન કામગીરી કરવા પાલિકાને રહીશો વતી માંગ કરું છું.