જૂનાગઢના નગરદેવી તરીકે પુજાઇ રહ્યા છે વાઘેશ્વરીમાં જૂનાગઢ: ચૈત્રી નવરાત્રિ આવતાની સાથે જ લોકો માતાજીની પૂજા-અર્ચના કરતા હોય છે. માતાજીને નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન માતાજીના દરેક મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ત્યારે જૂનાગઢમાં આવેલા મા વાઘેશ્વરીના દર્શન માટે લોકો દુર દુરથી આવે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન આસ્થાના પ્રતીક એવા વાઘેશ્વરી ધામ ના દર્શને મોટી સંખ્યામાં માય ભક્તો આવીને ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરતા જોવા મળે છે.
પુજા કરવાનું આયોજન:ચૈત્ર મહિનાની એકમ હિન્દુ ધર્મનું નવુ વર્ષ પ્રારંભ થાય છે. વર્ષનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીના તહેવારથી શરૂ થાય છે. ત્યારે હિન્દુ ધર્મમાં આવતી ચાર નવ રાત્રિઓ પૈકી ચૈત્રી નવરાત્રિને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ચૈત્ર મહિનાની એકમથી શરૂ થતું હિન્દુ ધર્મના નવા વર્ષની સાથે નવ દિવસ સુધી જગત જનની માં જગદંબાની પૂજા આરાધના અને સાધના કરાઇ છે. જે આદિ અનાદિકાળથી ચાલતું આવે છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમ્યાન જગત જનની મા જગદંબાની આરાધના અને પુજા કરવાનું આયોજન થઈ રહ્યું છે.
શુ છે વાઘેશ્વરી માતાનો મહિમાં:ધાર્મિક ઇતિહાસવર્ષો પૂર્વે ગિરનાર પર્વત પર બિરાજતાં મા વાઘેશ્વરી ના નિત્ય દર્શને આવતા તેમના એક ભક્તને રસ્તામાં વનરાજનો સામનો થઇ ગયો હતો. ત્યારે આ ભક્તના હાથમાંથી માતાજીને અર્પણ કરવા માટે લાવેલું દૂધ ઢોળાઈ ગયું હતું. કલ્પાંત કરતા ભક્તની સાચી ભક્તિ જોઈને મા વાઘેશ્વરી ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને લોટો ફરીથી દૂરથી છલોછલ થઈ ગયો. ત્યારબાદ માં વાઘેશ્વરી ના પરચા નો તેના ભક્તોને અનુભૂતિ થઈ હતી. માતાને તેમના ઘરે સ્થાપન કરવા માટે વિનંતી કરી જેનો સ્વીકાર વાઘેશ્વરી માતા એ એમ કહીને કર્યો કે હું તારી પાછળ આવું છું. મારા ઝાંઝરનો રણકાર સાંભળી તારે પાછળ જોયા વગર આગળ ચાલવાનું છે. થોડો સમય ચાલ્યા બાદ મા વાઘેશ્વરીના ઝાંઝરનો રણકાર બંધ થયો અને માઈ ભક્તે પાછું વળીને જોતા માતા વાઘેશ્વરી સ્થિર થઈ ગયા જે હાલમા નીચલા વાઘેશ્વરી તરીકે પૂજાય રહ્યા છે.
આ પણ વાંચો Junagadh News: યુવાન ખેડૂતે મધની ખેતી કરીને બન્યો આત્મનિર્ભર, મધનું કર્યું મબલખ ઉત્પાદન
વાઘેશ્વરી મંદિર: વાઘેશ્વરી મંદિરની સ્થાપના સાતમી સદીમાં થઈ હોવાનું મનાય છે. ગિરનારમાં બિરાજતા જગત જનની માં જગદંબા સમાન વાઘેશ્વરી માતાના મંદિરનું બાંધકામ સાતમી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. જે તે સમયે ગિરનારના પ્રવેશદ્વાર તરીકે પણ વાઘેશ્વરી માતાનું મંદિર ઓળખાતું હતું. વર્ષ 1921માં જૂનાગઢના દીવાન ત્રિભુવન રાય રાણાએ મંદિરના જિર્ણોદ્ધાર અને નવનિર્માણ માટે પોતાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેના ભાગરૂપે જે તે સમયની સરકારે 500 અને જૂનાગઢના નવાબ દ્વારા 100 રૂપિયાનું અનુદાન આપીને મંદિરના નવનિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અનેક ધાર્મિક દાતાઓએ મંદિરના જિર્ણોદ્ધાર અને નવનિર્માણ માટે અનુદાન આપ્યું હોવાનો ઇતિહાસમાંથી મળી આવે છે. પ્રાપ્ત થયેલા અનુદાન માંથી જે તે સમયે ગિરનાર પર્વત પર બિરાજતા માં વાઘેશ્વરી મંદિર સુધી પહોંચવા માટે બે હજાર પગથિયાંની સીડીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Junagadh News : કેશોદમાં શ્રમિકો દ્વારા ફિનાઈલ ગટગટાવવાના મામલામાં ખંડણીનું કારણ સામે આવ્યું
મા વાઘેશ્વરી ના ભક્ત:જૂનાગઢના નવાબ દિવાન અને રા ખેંગાર પણ હતા મા વાઘેશ્વરી ના ભક્ત.સાતમી સદી પૂર્વેનુ આ મંદિર ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. જુનાગઢના ઈતિહાસ પરથી જાણવા મળે છે કે જૂનાગઢના નવાબ દિવાન રા ખેંગાર રા માંડલીક અને રાણકદેવીમાં વાઘેશ્વરી ના પરમ ભક્ત હતા. નિત્યક્રમે વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે અચૂક આવતા હતા. તેને કારણે વાઘેશ્વરી માતાને જુનાગઢ ના કુળદેવી તરીકે આજે પણ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. ચિત્ર આસો શાકંભરી અને અષાઢ આ ચાર નવરાત્રી હિન્દુ ધર્મના વિક્રમ સંવત ના વર્ષમાં આવતી હોય છે. જેમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. આ નવ દિવસ દરમ્યાન જગત જનની જગદંબા ની આરાધના પૂજા અને સાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જેથી ચૈત્રી નવરાત્રી માં વાઘેશ્વરી ના દર્શન કરીને જૂનાગઢ વાસીઓ આજે પણ અભિભૂત બની રહ્યા છે.