જૂનાગઢ: જિલ્લાના માંગરોળ બંદર જેટી પર ગઈકાલે રાત્રે અચાનક આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઝમઝમ નામની બોટ ઓખા બેટમાં કોલમ બીમ સાથે અથડાઈ જતા ક્ષતિગ્રસ્ત થઈ હતી. તેના રીપેરીંગ કામ માટે આ બોટ માંગરોળ બંદરની ગોદી કાંઠે રાખવામાં આવી હતી. આ બોટમાં રવિવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ખલાસીઓ જાન બચાવવા કૂંદ્યા હતા. તેમજ ખલાસીઓ દ્વારા તાત્કાલિક બોટ માલિકને જાણ કરવામાં આવી હતી. બોટ માલિક દ્વારા લઘુમતી સમાજના આગેવાનોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પાલિકાના ફાયરબ્રિગેડ તેમજ ખારવા અને મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી હતી.
જૂનાગઢ માંગરોળ બંદર પર મધરાત્રે બોટ સળગી જતા અનેક તર્ક-વિતર્ક - માંગરોળ બંદર પર ખારવા સમાજ
જૂનાગઢ માંગરોળ બંદર પર મધરાત્રે બોટ સળગી જતા અનેક તર્ક-વિતર્ક કરવામાં આવ્યાં હતાં. જેમાં આ આગને લઇને મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માંગરોળ બંદર પર ખારવા સમાજ સિવાયના કોઇપણ લોકોને માંગરોળ જેટી પર બોટ લગાવવા દેવામાં આવતી નથી. આ બાબતે અગાઉ પણ બન્ને સમાજમાં ઘર્ષણ થયું હતું. અગાઉ પણ બોટ માલિકની બોટ સળગાવવાનો કિસ્સો બન્યો હતો. આ અંગે બોટ માલિક દ્વારા મરીન પોલીસમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોટ સળગી નહીં, પરંતુ સળગાવવામાં આવી છે. તેમજ અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવવામાં આવી છે. હાલમાં બોટ સળગવાથી બોટ માલિકને લાખોનું નુકસાન થયું છે.
જૂનાગઢથી આવેલ એફ.એસ.એલ. ટીમ દ્વારા બોટની ચકાસણી તેમજ પંચનામુ કરવામાં આવ્યું છે. તેમજ નમૂનાઓ પેક કરી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. હાલમાં આ તપાસ DYSP ગઢવીની સૂચનાથી PSI વાઘ ચલાવી રહ્યાં છે.