છત્તીસગઢમાં ભાજપના પ્રચારમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ગયા હતા જૂનાગઢઃભાજપને વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણી ફળી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસ ગઢમાં ભાજપની જીત થઈ છે. છત્તીસગઢની વાત કરવામાં આવે તો આ રાજ્યમાં પરિણામ ધાર્યા કરતા બહુ અલગ આવ્યું છે. રાજકીય નિષ્ણાતો, એક્ઝિટ પોલ્સ દરેકને ખોટા પાડીને ભાજપે છત્તીસગઢમાં જીત મેળવી છે. છત્તીસગઢમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતમાંથી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પણ ગયા હતા.
ગુજરાતી ત્રિપુટીનો સિંહફાળોઃ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા છત્તીસગઢમાં ભાજપને મળેલ જીત પાછળ ત્રણ ગુજરાતીઓનો સિંહફાળો રહેલો છે તેમ જણાવે છે. તેમણે જણાવ્યું કે ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાની ત્રિપુટી બહુ મહત્વની સાબિત થઈ છે. આ ત્રિપુટીની વ્યૂહ રચના, પ્રચારની યોજનાઓ તેમજ તેમણે કાર્યકર્તાઓમાં જે જોમ અને જુસ્સો પુરો પાડ્યો તેનાથી આ જીત હાંસલ થઈ છે.
તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યાઃ રાજકીય નિષ્ણાતો અને એક્ઝિટ પોલ કૉંગ્રેસ છત્તીસગઢમાં જીતે છે તેમ કહેતા હતા. જો કે વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ જે કેમ્પેઈન સ્ટ્રેટેજી બનાવી તેને દરેક એક્ઝિટ પોલ્સને ખોટા પાડી દીધા છે. આ ત્રિપુટીએ ઉમેદવારોની પસંદગીથી લઈને દરેક બાબતોનું ઝીણવટભર્યુ આયોજન કર્યુ હતું.
જીત સાથે જવાબદારી પણ વધી છેઃ ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન જે વચનો આપ્યા છે. તેને પૂરા કરવાની શરુઆત પ્રથમ કેબિનેટ બેઠકથી જ કરી દેવામાં આવશે. પ્રચાર દરમિયાન મહિલા સુરક્ષાને ભાજપે પ્રાધાન્ય આપ્યું હતું. તેથી મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની શરુઆત પ્રથમ કેબિનેટ બેઠકમાં જ કરી દેવામાં આવશે.
ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતી કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાની ત્રિપુટી બહુ મહત્વની સાબિત થઈ છે. આ ત્રિપુટીની વ્યૂહ રચના અને પ્રચારની યોજનાઓને પરિણામે ભાજપને છત્તીસગઢમાં આ જીત હાંસલ થઈ છે...સંજય કોરડીયા(ધારાસભ્ય, જૂનાગઢ)