છેલ્લા પંદર દિવસથી અમરેલી જિલ્લાના બગસરા પંથકને દીપડાઓએ જાણે કે બાનમાં લીધું હોય તેવું ભયનું વાતાવરણ ઊભું થયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં બે ખેડૂતોના દીપડાઓએ જીવ લેતા અંતે વન વિભાગે પણ દીપડાઓના વધતા જતા ભય પર કાબુમાં મેળવવા ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં બે દિવસ પહેલા વનવિભાગને સફળતા પણ મળી હતી. બગસરા ગૌશાળા નજીક માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં વનવિભાગના શાર્પ શૂટરોને સફળતા મળી છે. પરંતુ બગસરા પંથકમાં હજુ પણ કેટલાક માનવભક્ષી દીપડાઓ મુક્ત મને ફરી રહ્યા છે. જેને કારણે ખેડૂતો અને ગામલોકોમાં આ માનવભક્ષી દીપડા હજુ પણ ભય ફેલાવી રહ્યા છે. ત્યારે બગસરા પંથકના લોકો અને ખેડુતોએ વનવિભાગ અને સરકાર સમક્ષ માંગ કરી હતી કે, આવા માનવભક્ષી દિપડાને પકડીને બગસરા પંથકને દીપડાના ભયમાંથી સરકાર અને વનવિભાગ મુક્ત કરાવે.
દીપડાના હાહાકારની વચ્ચે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા તાકીદની બેઠક મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી. જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં દીપડાઓના વધતા જતા હુમલા તેમજ દીપડાની સંખ્યા થોડા વર્ષોમાં અનિયંત્રિત બની છે. તેને લઈને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
જેમાં રાજ્ય સરકાર અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે દીપડાઓને કોલર આઇડી પહેરાવવાની બાબતને લઈને સર્વસંમતિ સધાઇ હતી. તેમજ દીપડાની વસતી જતી સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારની પૂર્વ મંજુરી મળ્યે દીપડાઓમાં ખસીકરણ જેવી પ્રક્રિયાને અમલમાં મૂકવાની વાત પણ કરવામાં આવી રહી છે. દીપડાઓમાં કોલર આઇડી અને ખસીકરણની વાત વન વિભાગના કેટલાક પૂર્વ કર્મચારીઓ હાસ્યાસ્પદ ગણાવી રહ્યાં છે.
એક પ્રાથમિક અંદાજ પ્રમાણે ગીર વિસ્તારમાં અંદાજિત 800 થી 1000 જેટલા દીપડાઓ આજે અસ્તિત્વ ધરાવી રહ્યાં છે. ત્યારે આટલી મોટી સંખ્યાને ધ્યાને લઈને દીપડાઓને કોલર આઇડી પહેરાવવું ખૂબ જ ખર્ચાળ અને મુશ્કેલ કાર્ય હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ જો કેન્દ્ર સરકાર દીપડાના ખસીકરણ કાર્યક્રમને મંજૂરી આપે તો આ કામ ખૂબ જ કપરું અને કેટલીક પરિસ્થિતિમાં નામુમકીન હોય તેવું પણ વન વિભાગના પૂર્વ અધિકારીઓ જણાવી રહ્યા છે. દીપડા જેવા બીકણ અને ચતુર પ્રાણીને રેડિયો કોલર પહેરાવવો કે એમનું ખસીકરણ કરવું વન વિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું હશે. છેલ્લા પંદર દિવસથી બગસરામાં હાહાકાર મચાવતો દીપડો વનવિભાગને સતત હાથતાળી આપતો રહ્યો છે.