જુનાગઢ:જુનાગઢ જિલ્લા સિનિયર સિટીઝન મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે સિનિયર સિટીઝનો માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે ભવનાથ તળેટી વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝનો માટે સંગીત ખુરશી, લીંબુ -ચમચી અને મમરાના લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 કરતા વધુ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દર વર્ષની માફક આ વર્ષે પણ સિનિયર સિટીઝનોએ ખૂબ જ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લઈને જીવનના કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ રમત-ગમત અને સામાજિક ઉત્થાન માટેની સ્પર્ધાઓમાં ચોક્કસ ભાગ લે તે પ્રકારના ઉત્સાહ અને પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Uttarayan 2024: ઉત્તરાયણ પર્વે જૂનાગઢમાં સિનિયર સિટીઝનો માટે યોજાઈ અનોખી સ્પર્ધા - જુનાગઢ મકરસંક્રાંતિ
જુનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે યોજાયેલી મમરાના લાડુ આરોગવાની સ્પર્ધા સૌથી વધુ ધ્યાન આકર્ષિત રહી હતી. આ સ્પર્ધામાં જૂનાગઢના 120 કરતા વધુ સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો.
Published : Jan 15, 2024, 2:35 PM IST
|Updated : Jan 15, 2024, 2:50 PM IST
મમરાના લાડુ આરોગવાની સ્પર્ધા: મમરાના લાડુ આરોગવાની ખાસ સ્પર્ધાના આયોજનમાં 70 કરતાં વધુ મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો. પાંચ મિનિટના નિર્ધારિત સમયમાં જે મહિલા અને પુરુષ સૌથી વધુ લાડુ આરોગશે તેને ક્રમશઃ વિજેતા જાહેર કરવામાં આવશે. જેમાં જુનાગઢના અશોકભાઈ પ્રિતમાણીએ 14.75 લાડુ 10 મિનિટમાં આરોગીને સ્પર્ધાના સંયુક્ત વિજેતા જાહેર થયા હતા. તો બીજી તરફ મહિલા વિભાગમાં જૂનાગઢના ચંદ્રિકાબેન મહેતાએ પાંચ મિનિટમાં 7.75 લાડુ આરોગીને મહિલા વિભાગમાં પ્રથમ વિજેતા બન્યા હતા.
વિજેતા સ્પર્ધકોનો ઉત્સાહ: ખાસ લાડુ આરોગવાની સ્પર્ધામાં વિજેતા બનેલા મહિલા સ્પર્ધક ચંદ્રિકાબેન મહેતાએ ઈ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, અને જણાવ્યું હતું કે, તેઓ પહેલા આઠ થી દસ લાડુ આરોગીને સ્પર્ધા જીતતા હતા. આજથી ચાર-પાંચ વર્ષ પૂર્વે મકરસંક્રાંતિના દિવસે 11 જેટલા મમરાના લાડુ આરોગીને તેઓ સ્પર્ધામાં વિજેતા રહ્યા છે. પરંતુ આજે પોણા આઠ જેટલા લાડુ આરોગીને ફરી એક વખત મહિલા વિભાગમાં પ્રથમ વિજેતા રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢના અશોકભાઈ પ્રિતમાણીએ પ્રથમ વખત લાડુ આરોગવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તેમને બે રાઉન્ડમાં પોણા પંદર લાડુ આરોગીને પ્રથમ વખત ભાગ લઈને પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. આવનારા દિવસોમાં વિવિધ અલગ સ્પર્ધાઓમાં પણ તેઓ ભાગ લેવાને લઈને વિચારી રહ્યા છે