આ ધમ્મ દીક્ષા મહોત્સવમાં 286 લોકોએ બૌદ્ધ ધમ્મ દીક્ષા લીધી હતી. જે ગુજરાતમાં ઐતિહાસિક કાર્યક્રમ બન્યો છે. આ મહોત્સવમાં જાપાનના ભદન્ત આર્ય નાગાર્જુન સુરઈ સસાઈ દીક્ષા ભૂમિ નાગપુર ખાતેથી પધાર્યા હતા.
જામનગરમાં 286 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો - ઐતિહાસિક બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવ
જામનગરઃ શહેરના આંગણે એક ઐતિહાસિક બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. આ તકે બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદથી સમગ્ર જામનગર બૌદ્ધમય બન્યું હતું. હજારોની સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દિક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. જેમાં બાબા સાહેબે આપેલી 22 પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.
આ ઉપરાંત ચંદ્રમણી બુદ્ધ વિહાર ભદન્ત ધમ્મસાથી નાગપુરથી તથા ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીખુ પ્રજ્ઞા રત્નજીએ હાજરી આપી દિક્ષાર્થીઓને ધર્મ દીક્ષા આપી હતી. ભારતનો મૂળ ધમ્મ અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બૌદ્ધ ધર્મને લીધે ભારતના વિશ્વગુરૂથી સમ્માનિય અને તક્ષશિલા નાલંદા જેવી વિશ્વ વિખ્યાત બૌદ્ધ વિશ્વવિદ્યાલય ભારતમાં હતી. જેની મૂળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આ મહોત્સવ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ આમ્રપાલી બુદ્ધ વિહાર જામનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.