જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં રૂ. 58 કરોડના ખર્ચે નિર્માણ પામશે ગર્લ્સ હોસ્ટેલ જામનગર :શહેરની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં 58 કરોડ કરતાં વધુના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલ નિર્માણ પામનાર છે. જેનો શિલાન્યાસ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ, પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેનેટ તરીકે ચૂંટાયેલા ડો. વિજય પોપટ, સેનેટ નોમિની ડો. કૃણાલ મહેતા, રિસર્ચ ટીમના ડોક્ટર, મેડિકલ કોલેજનું સફળ રીતે સંચાલન કરવામાં સેવા આપનાર સ્ટાફ તથા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
હોસ્ટેલમાં શું હશે સુવિધા:એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરની સ્થાપના વર્ષ 1955માં કરવામાં આવી હતી. હાલ 250 વિદ્યાર્થી ઇન્ટેક તથા ગર્લ્સ વિદ્યાર્થીઓને એડમિશનને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગર્લ્સ હોસ્ટેલ(G+11)નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં 700 વિદ્યાર્થીઓના સમાવેશ સાથેના 350 રૂમોની સગવડ થનાર છે. જેમાં પાર્કિંગ, રેકટર ક્વાર્ટર્સ, વેઇટિંગ એરીયા, લોન્ડ્રી, 3 મેશ ઉપલબ્ધ હશે. 255 વિધાર્થીઓની કેપીસીટી સાથેના ડાઇનિંગ એરિયા, રીક્રીએશન રૂમ, ટોયલેટ બ્લોક, દરેક રૂમમાં ફર્નિચર, 4 નંગ લીફ્ટ, 4 નંગ સીડી, ડી.જી સેટ, સેન્ટ્રલી આર.ઓ પ્લાન્ટ તથા ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. હોસ્ટેલ બિલ્ડીંગનું ગ્રાઉન્ડ તથા 11 માળ સાથે 3,06,322 ચો.ફૂટ વિસ્તારમાં બાંધકામ થશે. જે રૂ. 5841,96 લાખના ખર્ચે તૈયાર થનાર છે.
500 કરોડનું પેકેજ મંજૂર : આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજના પ્રશ્નો, હોસ્પિટલનું આધુનિકરણ અને અન્ય રજૂઆતોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તમામ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. સરકારે આ જરૂરિયાત અને માંગણીઓને ધ્યાનમાં રાખીને 500 કરોડથી વધુનું પેકેજ મંજૂર કર્યું છે. જેમાંથી 58 કરોડથી વધુના ખર્ચે એમ.પી. શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં ગર્લ્સ મેડિકલ હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
'જામનગરની જી.જી. હોસ્પિટલમાં ન માત્ર સૌરાષ્ટ્રમાંથી પરંતુ સમગ્ર રાજ્યમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દરેક નાગરિકને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અથાગ મહેનત કરી રહી છે. દરેક લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.' - રાઘવજી પટેલ, કૃષિપ્રધાન
વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ : સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, 'કોરોનાએ સમગ્ર વિશ્વને જાગૃત કર્યું છે અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું જરૂરી છે તે આપણે સૌએ અનુભવ્યું છે. ડોક્ટરોની હર હંમેશા સમગ્ર વિશ્વને જરૂરિયાત છે. સરકારના પ્રયાસોથી આયુષ્માન ભારતના માધ્યમથી દેશના કરોડો લોકોને સુરક્ષા કવચ મળ્યું છે. ગુજરાત સરકાર થકી હેલ્થ કેરની સુવિધા તમામ લોકોને મળી રહી છે. મેડિકલ કોલેજમાં રાજ્ય બહારથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવતા અભ્યાસની સાથે સાથે રહેવાની સુવિધા પણ તેઓને એક જ કેમ્પસમાં મળી રહેશે.
- Patan Railway Station: 32 કરોડના ખર્ચે થશે પાટણ રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ, વર્ચ્યુઅલ શિલાન્યાસ સમારોહ યોજાયો
- VNSGU: વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી