ગુજરાત

gujarat

જામનગર લોકસભા સીટના દાવેદાર કોણ છે...આવો જાણીએ...

By

Published : Feb 24, 2019, 1:33 PM IST

જામનગરઃ જિલ્લામાં લોકસભા બેઠક પર 2019ની ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તે અંગે ભાજપા અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં કેટલાક સામાજિક આગેવાનો પણ પક્ષોમાં ટિકિટ માંગી રહ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના નિરીક્ષકો અહીં આવીને કયાસ પણ કાઢી ગયા છે. તેઓએ પક્ષના મુખ્ય મથક પર અહેવાલો આપી દીધા છે કે જામનગર લોકસભાની સ્થિતી કેવી છે અને કોને ટિકિટ આપવી જોઈએ.

કોંગ્રેસના દાવેદાર ઉમેદવારો...

કોંગ્રેસ માટે ત્રણ કે ચાર દાવેદારોની પેનલ નક્કી કરી રાષ્ટ્રીય નેતાગીરીને મોકલી આપવા માટે તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે, તેમાં અશોકભાઈ લાલ, જે.ટી. પટેલ, જેન્તીભાઈ સભાયા તથા એક આહિર અગ્રણીના નામ પેનલમાં સામેલ કરાયા છે.

ભાજપમાં ઉમેદવાર નકકી...

ભાજપમાંથી હાલના સાંસદ પુનમ માડમનું નામ નક્કી માનવામાં આવે છે. જ્ઞાતિના પરિબળને લક્ષમાં લઈને કોંગ્રેસના ઉમેદવાર નક્કી થશે તેમ જણાય છે. જામનગર લોકસભાની બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી આહિર જ્ઞાતિના ઉમેદવાર સંસદસભ્ય બનતા આવ્યા છે. બે ટર્મ કોંગ્રેસના વિક્રમ માડમ અને ત્યાર પછીની ટર્મમાં પૂનમ માડમ ચૂંટાયા છે. વિક્રમ માડમે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

આમ, તો જામનગર લોકસભાની બેઠકમાં ખરાખરીનો જંગ ભાજપ કૉંગ્રેસ વચ્ચે છે. જો કે કોંગ્રેસ પાસે આ વિસ્તારના અનેક મુદ્દા છે તો ભાજપ પણ વિકાસની વાત કરી વોટ મેળવી શકે છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં પીવાના પાણીની વિકટ સ્થિતિ, પશુઓ માટે ઘાસચારો ન હોવા જેવા અનેક મુદ્દા છે. તેથી કોંગ્રેસમાંથી આહિર, પાટીદાર, ક્ષત્રિય, સતવારા કે મુસ્લિમ જ્ઞાતિના બદલે રઘુવંશી સમાજના અશોકભાઈ લાલને ઉમેદવાર તરીકે જાહેર કરે તો નવાઈ નહીં.

જો કે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જામનગર જિલ્લામાં પટેલ ,આહીર, સતવારા,રાજપૂત,મુસ્લિમ અને દલિતના મતની સંખ્યા વધુ છે. પટેલ ઉમેદવારમાં છેલ્લે ચંદ્રેશ પટેલને ટીકીટ અપાઈ હતી. ત્યાર બાદ આહીર ઉમેદવારો જ આ વિસ્તારમાં બાજી મારતા જોવા મળે છે. જામનગર લોકસભામાં અત્યાર સુધી માડમ પરિવારનો દબદબો રહ્યો છે. વિક્રમ માડમથી લઈ પૂનમ માડમ સતત જીત મેળવતા આવે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં કોણ દાવેદારી નોંધાવે છે.

ABOUT THE AUTHOR

...view details