જામજોધપુર: મેઘપર ગામમાં હાલમાં આ પાણીના ટાંકા, પાણીની લાઈન તથા તે માટેની કુંડી જે બનાવવાની થાય છે તેની કામગીરી ચાલી રહી છે. તેમાં કમિટી તથા સભ્યો સ્થળ પર જઈને વોટર ટેન્કનું નિરીક્ષણ કરતા કોન્ટ્રાક્ટર તેમાં ગેરરીતિ કરતો હોય તેવું જાણવા મળ્યું હતું. પાણીનો ટાંકો અને કુંડી ફાટી ગઈ છે અને તેમાં તિરાડો પડી ગઈ છે. જોકે તેમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ તથા હલકી ગુણવત્તાના લોખંડનો વપરાશ થયો છે.
જામજોધપુરમાં પાણીની પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આક્ષેપ - ભ્રષ્ટાચાર
જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં વાસ્મો યોજના હેઠળ બનાવવામાં આવેલા વોટર ટેન્ક તથા પાણીની પાઈનલાઈનના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે વાસ્મો યોજનાના સભ્યો અને લખમણ કદાવાલાએ વાસ્મો પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ પાણીના વહન માટે ગ્રામ પંચાયતના કૂવામાંથી જે વર્ષો જૂની લાઈન છે તેમાં આશરે 2 હજાર ફૂટની લાઈનમાં જોડાણ કર્યું છે. કોન્ટ્રાક્ટર કામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની જાણ કમિટીને થતા કમિટીએ સરપંચને આ મામલે જાણ કરી હતી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે ગામમાં ઘરે-ઘરે જે લોકલ લાઈન નાખી છે તેમાં પણ લેવલ મેઈન્ટેઈન કરવામાં નથી આવ્યું તેવું સામે આવ્યું છે. આ કામમાં પણ હલી ગુણવત્તાનો માલ-સામાન વાપરવામાં આવ્યો છે તેમ જ નબળુ અને આડેધડ કામ કર્યું છે. જ્યારે સરપંચને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે સ્વબચાવ કરતા કહ્યું કે, આ જવાબદારી મારામાં નથી આવતી અને હું તો ફક્ત ધ્યાન જ રાખું છું.
પાણીના ટાંકા બનાવવા સહિતની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યાની ગ્રામજનોએ જામનગર વાસ્મો અધિકારી તથા કલેકટરને ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરવા આવે તો કોન્ટ્રાક્ટરનો પસીનો છૂટી શકે છે તેમ જ ભ્રષ્ટાચારના પણ અનેક પોપડા ઉખડી શકે તેવી સંભાવના છે. સ્થાનિકોએ અધિકારીઓને સ્થળ પર આવીને નિરીક્ષણ કરવા અને કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.